પાલનપુરના ગુરુનાનક ચોક નજીક આવેલી ૬ આંગડીયા પેઢીઓ તથા આઇડી કાર્ડ મેકર નામની દુકાનોનાં તાળાં તોડી ચોરી કરનાર શૈતાન ગેન્ગના મુખ્ય સૂત્રધાર સહિત કુખ્યાત ૩ આરોપીઓને બનાસકાંઠા ન્ઝ્રમ્એ મુંબઇથી ઝડપી પાડી તેમની પાસેથી રોકડ તેમજ ગુનામાં વપરાયેલા હથિયારો સહિત રૂ. ૨,૩૨,૩૦૦નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
શહેરના ગુરુનાનક ચોક વિસ્તારમાં આવેલી પી.શૈલેષ એન્ટરપ્રાઇઝ, અંબાલાલ હરગોવનદાસ, માધવલાલ મગનલાલ નામની અલગ અલગ ૬ આંગડીયા પેઢીઓ તથા આઇડી કાર્ડ મેકર નામની દુકાનોના તાળાં તોડી તેમાંથી કુલ રૂ. ૩.૯૫ લાખની ચોરી થઈ હતી. આ ગુનો શોધી કાઢવા એલસીબીની અલગ-અલગ ટીમો બનાવી નેત્રમ કમાન્ડ કંન્ટ્રોલના સીસીટીવી, પાલનપુર શહેર આજુબાજુ ૨૦ થી ૨૫ કિ.મી.ના વિસ્તારમાં આવેલા ૨૦૦થી વધારે સીસીટીવી તથા હોટેલ ધાબા, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન વગેરે ચેક કરી લીડ મેળવતા ચોરી ત્રણ જણાએ કરી હોવાનું જણાયું હતું. જે ચોરી રાજસ્થાન રાજ્યના સાંચોરની આંતરરાજ્ય શૈતાન ગેન્ગના મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ જણા હોવાનું તપાસમાં ખુલતાં તેમના વિશે ટેકનીકલ વર્ક આઉટ કરતાં તેઓ આ ગુનો આચરી મુંબઇ તરફ નાસી ગયા હોવાની લીડ મળી હતી. જેથી જે.એસ.ગઢવી પીએસઆઇ એલ.સી.બીની આગેવાની હેઠળ એક ટીમને મુંબઇ મોકલીને ટીમ દ્વારા ટેકનિકલ તથા હ્યુમન સોર્સ દ્વારા મુંબઇમાંથી શૈતાન ગેન્ગના મુખ્ય સૂત્રધાર શૈતાનસિંહ જશવંતસિંહ રાજપુત (રહે. પાલડી, સાંચોર, રાજસ્થાન), દીલીપગીરી જીવગીરી ગોસ્વામી (રહે.કૈલાશનગર, સાંચોર, રાજસ્થાન) તથા ભરતકુમાર બાબુલાલ રાજપુરોહિત (રહે.ખીરૂડી, તા. ચીતલવાના, રાજસ્થાન) ને ઝડપી લેવામાં આવ્યા હતા. પૂછપરછમાં ત્રણેય આરોપીઓએ મુંબઇ શહેર (મહારાષ્ટ્ર), ગુજરાતના સુરત, વલસાડ તથા રાજસ્થાનમાં ૪૦થી વધુ લૂંટ, ધાડ, ઘરફોડ ચોરી, ચોરી તથા દારૂ હેરાફેરી જેવા ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેમની પાસેથી રૂ. ૧,૧૦,૦૦૦ રોકડા, બાઇક રૂ. ૧ લાખ, કટર તથા ડીસમીસ રૂ. ૧૩૦૦ તેમજ મોબાઇલ સહિત રૂ. ૨,૩૨,૩૦૦નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.
ચોરીના ગુનામાં પકડાયેલા આરોપીઓ રખડતા રહી દિવસ દરમિયાન રેકી કરી રાત્રિના સમયે બાઇક પર આવી ચોરી કરતા હતા. ચોરી કરવામાં મોટાભાગે આંગડિયા પેઢી, સોના-ચાંદીની દુકાનો તથા કેપની તથા પઢીની ઓફિસોને ટાર્ગેટ કરતા હતા. તેઓ ગુનાના સ્થળેથી આશરે ૫૦૦થી ૬૦૦ કિલોમીટર દૂર અન્ય રાજ્યમાં જતા રહેતા જેથી તેઓની પકડાવાની શક્યતા ઓછી રહેતી.
શૈતાન ગેન્ગના મુખ્ય સૂત્રધાર શૈતાનસિંહ રાજપુત ઉપર ગુજરાતના અડાજણ, ઉમરગામ, ઉમરા, પાંડેસરા, મહારાષ્ટÙના વીપીરોડ, નાગપાડા, ડા.ડી.બી. માર્ગ, રાજસ્થાનના ક્રિશ્ચયન ગંજ સહિત ૨૫થી વધારે ઘરફોડ ચોરી, ભંગાર ચોરી જાહેરનામાનો ભંગ સહિતના ગુના નોંધાયેલા છે. દિલીપગીરી ઉપર ગુજરાતના ધાનેરા, રાજસ્થાનના સાંચોર, જશવંતપુરા, ભીનમાલ, ઝાબ, ચિત્તલવાના સહિત ૨૧થી વધુ દારૂની હેરાફેરી, ચોરી, ઘરફોડ ચોરી, લૂંટ જેવા ગુના નોંધાયેલા છે. જ્યારે ભરતકુમાર બાબુલાલ ઉપર રાજસ્થાનના આબુરોડ, જશવંતપુરા, સાયલા, ઝાબ, સાંચોર, ચિત્તલવાના, ભાગોડામાં થઇને ૧૦થી વધુ લૂંટ, ધાડ, ઘરફોડ ચોરીના ગુના નોંધાયેલા છે.









































