વિકાસના કામમાં સુરક્ષાના નિયમો નેવે મુકાતા સર્જાયેલી અફરાતફરી સાવરકુંડલાના જનતા બાગ નજીક જીયુડીસી દ્વારા ચાલી રહેલા ગટર લાઇનના કામ દરમિયાન જેસીબી ચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે. ખોદકામ દરમિયાન ગુજરાત ગેસની મુખ્ય પાઇપલાઇન તૂટી જતાં જોરદાર અવાજ સાથે ગેસ લીકેજ શરૂ થયું હતું જેના લીધે સમગ્ર વિસ્તારમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ગેસ લાઇનની સ્પષ્ટ માહિતી હોવા છતાં સુરક્ષાના માપદંડોની ઘોર અવગણના કરીને ખોદકામ ચાલુ રખાયું હતું જે વહીવટી તંત્રની ક્ષતિ દર્શાવે છે. ઘટનાની જાણ થતાં જ ગુજરાત ગેસની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને સપ્લાય બંધ કરી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનમાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ બેદરકારીના કારણે આગ લાગી હોત તો મોટી હોનારત સર્જાઈ શકી હોત. સ્થાનિક રહીશોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ભવિષ્યમાં આવી ભૂલો ન થાય તે માટે જવાબદારો સામે કડક પગલાં લેવાની માંગ ઉઠી છે.










































