ગુજરાતીઓની વિદેશ જવાની ઘેલછા જાણીતી છે. જેનો લાભ કેટલાક લેભાગુ એજન્ટો ઉઠાવતા હોય છે. વડિયાના લુણીધાર ગામના ખેડૂતને વિદેશના છ મહિનામાં જ વિઝા અપાવી દઈશ તેમ કહી વિશ્વાસમાં લઈને ૩.૧૦ લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી. આ અંગે ચંદુભાઇ ધીરૂભાઇ હપાણી (ઉ.વ.૪૫)એ આણંદ જીલ્લાના સોજીત્રા તાલુકાના ઇસણાવ ગામના કિંજલભાઇ જનકભાઇ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમને વિદેશ જવું હતું. જેથી આરોપીએ તેમને કહ્યું કે હું તમને વિદેશ જવા માટે છ મહિનામાં વિઝા કરાવી આપીશ તેવી લાલચ આપી અલગ અલગ બેન્કોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરાવી રૂ.૩,૧૦,૦૦૦નો વિશ્વાસઘાત કર્યો હતો. વડિયા પોલીસ સ્ટેશનના એએસઆઈ બી પી ધાંધલા વધુ તપાસ કરી રહ્યા છે.











































