લીલીયાના આંસોદર પ્રાથમિક શાળા અને વાવડીયા કે.વી. વિદ્યામંદિરના સંયુક્ત ઉપક્રમે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ મહોત્સવની ઉમળકાભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે લાઠીના તાલુકા વિકાસ અધિકારી એસ.એમ. ઝાલા અને બી.આર.સી. ભવનના યજ્ઞેશભાઈ પારેખ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત દેવભાષાના પ્રચાર-પ્રસાર માટે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના આર્થિક સહયોગથી તૈયાર કરાયેલા વિશેષ ‘સંસ્કૃત કક્ષ’નું ઉદ્ઘાટન કરાયું હતું. આ સાથે જ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ અને પ્રાયોગિક જ્ઞાન વધે તે માટે સાત લાખના ખર્ચે નવનિર્મિત ‘સાયન્સ લેબ’ ખુલ્લી મૂકવામાં આવી હતી. મહાનુભાવોના હસ્તે આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ ૧ તેમજ ૯ના નૂતન વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી પ્રવેશ કરાવાયો હતો.










































