અમરેલી શહેરમાં જાહેર માર્ગો પર આડેધડ વાહનો પાર્ક કરીને અને લારીઓ ઊભી રાખીને ટ્રાફિક વ્યવસ્થા ખોરવતા તત્વો સામે પોલીસે કડક હાથે કામગીરી શરૂ કરી છે. જાહેર રોડ પર ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે વાહનો પાર્ક કરવા અને લારીઓ ઊભી રાખવા બદલ પોલીસે અલગ-અલગ જગ્યાએથી કુલ ૧૧ શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.જાહેર જનતાની અવરજવર અને વાહન વ્યવહારમાં અવરોધ ઊભો કરતા કુલ ૭ વાહનો અને ૪ લારી ધારકો સામે જાહેરનામા ભંગ અને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન હેઠળ ગુનાઓ નોંધવામાં આવ્યા છે. અમરેલી પોલીસ દ્વારા આગામી દિવસોમાં પણ ટ્રાફિક સમસ્યા નિવારવા અને આડેધડ ર્પાકિંગ કરનારાઓ સામે આ પ્રકારની કડક ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે.









































