બગસરા શહેરના જીનપરા અને કુકાવાવ નાકા વિસ્તારમાં છેલ્લા બે દિવસથી એક હડકાયા કૂતરાએ ભારે આતંક મચાવ્યો છે. આ પાગલ કૂતરાએ અત્યાર સુધીમાં સાત માસૂમ બાળકો, બે પુરુષો અને એક મહિલા સહિત કુલ ૧૦ લોકોને બચકાં ભરીને ઇજાગ્રસ્ત કર્યા છે. આ ગંભીર ઘટનાને પગલે સમગ્ર પંથકના રહીશોમાં ભારે ભય અને ફફડાટનો માહોલ ફેલાયો છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું અને તમામ ૧૦ ઇજાગ્રસ્તોને તાત્કાલિક હડકવા વિરોધી રસી સહિતની સઘન સારવાર પૂરી પાડી હતી. સમયસર તબીબી સહાય મળતા મોટી જાનહાની ટળી છે, પરંતુ હડકાયું કૂતરું હજુ પણ ખુલ્લેઆમ રખડતું હોવાથી લોકો ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે. સ્થાનિક રહીશોએ તંત્ર સમક્ષ ઉગ્ર રજૂઆત કરીને આ કૂતરાને સત્વરે પાંજરે પૂરવા માંગ કરી છે.








































