જાફરાબાદના નાગેશ્રી ગામે એક યુવકને ‘તું લાકડા ખોડવાની કેમ ના પાડે છે?’ તેમ કહી, ‘હવે તું બીજી વાર આવીશ તો તને પતાવી દઈશું’ તેવી જાનથી મારવાની ધમકી આપી હતી. આ અંગે અરવિંદભાઈ ભીખાભાઈ ખસીયાએ મહેશભાઈ મધુભાઈ વરુ, કિરણભાઈ મહેશભાઈ વરુ, અશોકભાઈ મધુભાઈ વરુ તથા પ્રવીણભાઈ મધુભાઈ વરુ સામે ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદ મુજબ, તેઓ અને તેમના પત્ની પોતાની વાડીએ આવેલા મકાને હાજર હતા અને ઘરકામ કરતા હતા. તે દરમિયાન આરોપી મહેશભાઈ તેના મજૂરો દ્વારા શેઢા ઉપર ઝટકા મશીનના લાકડા ખોડાવતા હતા. જેથી તેમણે મજૂરોને કહ્યું કે, ‘મારા શેઢા ઉપર લાકડા ન ખોડતા.’ આથી આરોપીએ આવીને તેમને કહ્યું કે, ‘તું લાકડા ખોડવાની કેમ ના પાડે છે?’ જેથી તેમણે જણાવ્યું કે, ‘આ જમીન મારી હદમાં આવે છે, એટલે તમે લાકડા ખોડતા નહીં.‘આ સાંભળી આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને જેમ ફાવે તેમ ગાળો આપી હાથમાં રહેલા દોરડાનો એક ફટકો પીઠના ભાગે માર્યો હતો. અન્ય આરોપીઓ પણ ત્યાં ધસી આવ્યા હતા અને તેમની સાથે મારપીટ કરી હતી. આ સમયે તેમના પત્ની ચંપાબેન વચ્ચે પડી તેમને બચાવવા જતાં આરોપી મહેશભાઈએ તેમને ધક્કો મારી પછાડી દીધા હતા. ઉપરાંત, આરોપીઓએ જતાં-જતાં અપશબ્દો કહી, ‘હવે તું બીજી વાર આવીશ તો તને પતાવી દઈશું’ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.










































