અમરેલીમાં મૈત્રી કરારની અદાવતમાં એક યુવક પર પૂર્વઆયોજિત કાવતરું રચીને જાનથી મારી નાખવાના ઈરાદે ઘાતકી હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી હતી. પત્નીએ અન્ય યુવક સાથે મૈત્રી કરાર કરી લીધા હોવાનું મનદુઃખ રાખીને પતિ અને તેના ત્રણ સાથીદારોએ રસ્તામાં મોટરસાઇકલ આંતરી યુવકને લોખંડના પાઇપ અને લાકડીઓ વડે બેરહેમીથી માર માર્યો હતો. બનાવ સંદર્ભે અમરેલીમાં રહેતા આકાશભાઇ કમલેશભાઇ ત્રિવેદી (ઉ.વ.૨૯)એ બોટાદના અરવિંદભાઇ કરશનભાઇ ગોદાવરીયા તથા અન્ય ત્રણ ઈસમો સામે ફરિયાદ નોંધાવી હતી.પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમણે અરવિંદભાઈ ગોદાવરીયાની પત્ની સાથે મૈત્રી કરાર કર્યા હતા. આ બાબતનો ખાર રાખીને આરોપી અવારનવાર ફરિયાદીને ફોન પર ધમકીઓ આપતો હતો. દરમિયાન, પોતાનો સમાન ઈરાદો પાર પાડવા માટે મુખ્ય આરોપી અને તેના અન્ય ત્રણ સાથીદારોએ પૂર્વઆયોજિત કાવતરું ઘડ્‌યું હતું. તે જ્યારે પોતાની મોટરસાઇકલ લઈને જઈ રહ્યો હતો, ત્યારે ચારેય આરોપીઓ નંબર પ્લેટ વગરની કાર લઈને આવ્યા હતા. આરોપીઓએ તેમની બાઇક આડે પોતાની કાર ઊભી રાખી દઈ તેમનો રસ્તો રોક્યો હતો. કારમાંથી ચારેય આરોપીઓ લોખંડના પાઇપ અને લાકડીઓ જેવા હથિયારો સાથે નીચે ઉતર્યા હતા અને તેના પર તૂટી પડ્‌યા હતા. આરોપીઓએ સમાન ઈરાદો પાર પાડવા લાકડી તથા પાઇપ વડે માર મારી જીવલેણ ગંભીર ઈજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.એમ. ઝાલા વધુ તપાસ કરી રહ્યા છે.