તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) સતત મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. પશ્ચિમ બંગાળમાં હાર બાદ, સમગ્ર પક્ષમાં બળવાખોર વલણ દેખાઈ રહ્યું છે. પહેલા વિધાનસભામાં અને હવે લોકસભામાં, પાર્ટીની અંદર બળવાખોર જૂથે અલગ જૂથ બનાવવાનો દાવો કર્યો. ઘણા અગ્રણી નેતાઓએ તો રાજીનામું પણ આપી દીધું છે. હવે, એવું જાણવા મળ્યું છે કે બળવાખોર જૂથે દિલ્હી કાર્યાલય પર પણ દાવો કર્યો છે અને અભિષેક બેનર્જીને તેને ખાલી કરવા માટે પત્ર લખ્યો છે.
ટીએમસીના સૂત્રોના અહેવાલ મુજબ બળવાખોર સાંસદ પાર્થો ભૌમિકે તૃણમૂલ કોંગ્રેસનું દિલ્હી કાર્યાલય ખાલી કરવા માટે અભિષેક બેનર્જીને પત્ર લખ્યો છે. ભૌમિકના દિલ્હી નિવાસસ્થાન, ૨૦ રાજેન્દ્ર પ્રસાદ રોડ પર ઓલ ઈન્ડીયા તૃણમૂલ કોંગ્રેસ કાર્યાલય છે. ભૌમિક હાલમાં બળવાખોર ટીએમસી જૂથના સભ્ય છે.
આંતરિક પક્ષના વિવાદો વચ્ચે, રાજ્યમાં વિરોધ પક્ષના નેતાનો મુદ્દો કોર્ટમાં પહોંચ્યો છે.ટીએમસીએ વિધાનસભાના અધ્યક્ષ રથેન્દ્ર બોઝના કોલકાતા હાઇકોર્ટમાં બળવાખોર પક્ષના નેતા ઋતાબ્રત બેનર્જીને વિરોધી પક્ષ તરીકે માન્યતા આપવાના નિર્ણયને પડકાર્યો છે. પક્ષે આરોપ લગાવ્યો છે કે આ નિર્ણય સંસદીય પરંપરાઓ અને નિયમોની વિરુદ્ધ છે.
વરિષ્ઠ વકીલ શિરસણ્ય બંદોપાધ્યાય દ્વારા દાખલ કરાયેલી અરજી પર આવતીકાલે (ગુરુવાર, ૧૧ જૂન) ન્યાયાધીશ કૃષ્ણ રાવની સિંગલ બેન્ચ દ્વારા સુનાવણી થવાની અપેક્ષા છે. અરજીમાં, પક્ષે સ્પીકર બોઝના નિર્ણયની ન્યાયિક સમીક્ષા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા નિયુક્ત કરાયેલા વરિષ્ઠ નેતા શોભનદેવ ચટ્ટોપાધ્યાયને વિરોધ પક્ષના નેતા તરીકે માન્યતા આપવાની માંગ કરી છે.
જાકે, ગયા અઠવાડિયે, તૃણમૂલ કોંગ્રેસના ૮૦ ધારાસભ્યોમાંથી ૫૮ ધારાસભ્યો પક્ષ વિરુદ્ધ ગયા અને બળવાખોર નેતા ઋતાબ્રત બેનર્જીને ટેકો આપ્યો. પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ માટે ઋતાબ્રતને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. જાકે, તેમની હકાલપટ્ટીના બે દિવસ પછી, તેમણે ૫૮ ધારાસભ્યોના સમર્થનથી ગૃહમાં વિપક્ષના નેતા પદ માટે પોતાનો દાવો રજૂ કર્યો. અન્ય એક હાંકી કાઢવામાં આવેલા ધારાસભ્ય, સંદીપન સાહાને, સ્પીકરે વિપક્ષના ઉપનેતા તરીકે માન્યતા આપી.
બળવાખોર વલણ ફક્ત વિધાનસભા પૂરતું મર્યાદિત નથી પરંતુ લોકસભામાં પણ દેખાય છે. ઘણા બળવાખોર ટીએમસી સાંસદોએ તાજેતરમાં કેન્દ્રીય મંત્રી અને પાર્ટી નિરીક્ષક ભૂપેન્દ્ર યાદવના નિવાસસ્થાને એક બેઠક યોજી હતી. રાજ્યના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ પણ બેઠકમાં હાજરી આપી હતી. આ બેઠક બાદ, પાર્ટીના વરિષ્ઠ સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને એક પત્ર સુપરત કર્યો. એવું જાણવા મળ્યું હતું કે આ પત્રમાં ૨૦ ટીએમસી સાંસદોના હસ્તાક્ષર હતા. વરિષ્ઠ સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારે લોકસભામાં એક અલગ જૂથ બનાવ્યો હોવાનો દાવો કર્યો હતો.
ટીએમસીના કુલ ૨૮ લોકસભા સાંસદો છે. સહી કરનારાઓના નામ અસ્પષ્ટ છે. જા કે, સૂત્રો કહે છે કે, કાકોલી ઘોષ દસ્તીદાર ઉપરાંત, તેમાં પાર્થો ભૌમિક, પ્રસૂન બેનર્જી, અસિત મલ, શર્મિલા સરકાર, જગદીશ બસુનિયા, કાલિપદા સોરેન, અરૂપ ચક્રવર્તી, રચના બેનર્જી અને દેવનો સમાવેશ થાય છે. આ પહેલા સોમવારે ટીએમસીના રાજ્યસભા સાંસદ સુખેન્દુ શેખર રોયે સાંસદ પદેથી અને પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું.










































