ફરિયાદના આધારે પાટણવાવ પોલીસે આરોપી શિક્ષક દેવાણંદ બેરાની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાની સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી સિનિયર કેજીની પાંચ જેટલી વિદ્યાર્થિનીઓ સાથે ૫૫ વર્ષીય શિક્ષક દ્વારા કથિત રીતે શારીરિક અડપલાં અને યૌન શોષણ કરવામાં આવ્યું હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ફરિયાદના આધારે પાટણવાવ પોલીસે આરોપી શિક્ષક દેવાણંદ બેરાની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
પોલીસ ફરિયાદ મુજબ, આરોપી શિક્ષક દેવાણંદ બેરાએ ૨૮ જૂન, ૨૦૨૫થી ૨ મે, ૨૦૨૬ દરમિયાન શાળાના વર્ગખંડમાં અભ્યાસ કરતી નાની બાળકીઓ સાથે અયોગ્ય શારીરિક હરકતો કરવામાં આવી હતી. આરોપીએ વિદ્યાર્થીનીઓની નાની ઉંમર અને નિર્દોષતાનો લાભ લઈ તેમની સાથે શારીરિક અડપલાં કર્યા હોવાનો તેમજ કેટલાક કિસ્સાઓમાં ગંભીર પ્રકારના યૌન શોષણના આક્ષેપો કરવામાં આવ્યા છે.
મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે એક વિદ્યાર્થિનીએ પોતાના માતા-પિતાને ‘બેડ ટચ’ અંગે જાણ કરી હતી. ત્યારબાદ વાલીઓએ અન્ય વિદ્યાર્થિનીઓ સાથે વાતચીત કરતાં વધુ ચાર બાળકીઓ પણ ભોગ બનનાર હોવાનું સામે આવ્યું હતું. ઘટનાની જાણ થતાં વાલીઓ અને સ્થાનિક સ્તરે ભારે રોષ ફેલાયો હતો.
એક વિદ્યાર્થિનીની ૩૨ વર્ષીય માતાએ ૮ જૂન, ૨૦૨૬ના રોજ રાજકોટ ગ્રામ્યના પાટણવાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૭૫(૨), ૩૫૧(૨), ૬૪(૨) તેમજ પોક્સો એક્ટની કલમ ૬, ૮ અને ૧૦ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે ૯ જૂનના રોજ આરોપીની ધરપકડ કરી હતી.
તપાસ અધિકારી વાય. એમ. ગોહિલે જણાવ્યું હતું કે, ભોગ બનનાર બાળકીઓ અને તેમના વાલીઓના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. ઉપરાંત બાળકીઓ તેમજ આરોપીનું મેડિકલ પરીક્ષણ પણ કરાવવામાં આવ્યું છે. પ્રાથમિક તપાસમાં શાળામાં સીસીટીવી કેમેરા ન હોવાનું સામે આવ્યું છે, જેના કારણે તપાસમાં અન્ય પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસે જણાવ્યું હતું કે, ભોગ બનનાર બાળકીઓના નિવેદનો બીએનએસએસની કલમ ૧૮૩ હેઠળ મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં આરોપી છેલ્લા ત્રણ વર્ષથી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હોવાનું જાણવા મળ્યું છે.
બીજી તરફ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે જણાવ્યું હતું કે, શિક્ષક વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદ અંગે વિભાગને ૯ જૂનના રોજ માહિતી પ્રાપ્ત થતાં જ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને તપાસ સોંપવામાં આવી હતી. સાથે જ આરોપી શિક્ષક દેવાણંદ બેરાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આ ઘટનાએ સમગ્ર શિક્ષણ જગતમાં ચિંતા ઉભી કરી છે. નાની વયની વિદ્યાર્થીનીઓની સુરક્ષા અને શાળાઓમાં દેખરેખની વ્યવસ્થા અંગે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. પોલીસ દ્વારા કેસની તમામ દિશામાં તપાસ ચાલુ હોવાનું જણાવાયું છે.









































