રાજ્યના ખેડૂતોના હિત માટે અને તેમના પાકને રખડતા પશુઓ તેમજ જંગલી પ્રાણીઓથી બચાવવા માટે ગુજરાત સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષ ૨૦૨૫-૨૬માટે પાક સુરક્ષા હેતુસર અમલમાં મૂકવામાં આવેલી ‘તાર ફેન્સિંગ યોજના’ અંતર્ગત કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા નવી સુધારેલી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ નવા સુધારા મુજબ, સહાય મેળવવા માટેના ક્લસ્ટરના નિયમો અને સહાયની રકમની શરતોમાં સરકારે મહત્વના ફેરફારો કર્યા છે.

અગાઉ આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ જે ક્લસ્ટર (જમીનનો સંયુક્ત વિસ્તાર) બનાવવાનું રહેતું હતું, તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે યોજના હેઠળ ખેડૂતોએ જમીનનું એક જ ક્લસ્ટર બનાવવું ફરજિયાત રહેશે. અગાઉ આ યોજનામાં બે હેક્ટર વિસ્તાર સુધીનું ક્લસ્ટર માન્ય રાખવામાં આવતું હતું. પરંતુ, નવી સુધારેલી માર્ગદર્શિકા બાદ હવે માત્ર એક હેક્ટર વિસ્તારનું ક્લસ્ટર જ માન્ય રહેશે. આ સુધારાથી નાના ખેડૂતોને યોજનાનો લાભ મળવો વધુ સરળ બનશે.

સરકારે તાર ફેન્સિંગગ માટે મળતી આર્થિક સહાયના ધોરણો પણ નક્કી કર્યા છે. ખેડૂતોને રનિંગ મીટર દીઠ ૩૦૦ રૂપિયા અથવા તાર ફેન્સિંગગના કુલ ખર્ચના ૪૦ ટકા, આ બેમાંથી જે રકમ ઓછી હશે તે મુજબ સહાય ચૂકવવામાં આવશે. આ યોજના અંતર્ગત જૂની વાડના સમારકામ (રિપેરિંગ) માટે કોઈ સહાય મળવાપાત્ર રહેશે નહીં. સહાયનો લાભ માત્ર નવા તાર ફેન્સિંગગના નિર્માણ માટે જ આપવામાં આવશે.

આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ ઓનલાઈન માધ્યમનો ઉપયોગ કરવાનો રહેશે. યોજના માટેની તમામ આવેદન (અરજી) અને મંજૂરીની પ્રક્રિયા સરકારના અધિકૃત આઈ ખેડૂત પોર્ટલ મારફતે ઓનલાઈન કરવાની રહેશે. ખેડૂતની અરજી મંજૂર થયા બાદ, સરકારે નક્કી કરેલી સમયમર્યાદાની અંદર જ તાર ફેન્સિંગગનું કામ પૂર્ણ કરવાનું રહેશે. કામ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ, ખેડૂતોએ નિયમ મુજબનું જીએસટી  બિલ અને અન્ય જરૂરી દસ્તાવેજા પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે, જેના આધારે સહાયની રકમ સીધી તેમના ખાતામાં જમા થશે.

રાજ્ય સરકારના આ મહત્વપૂર્ણ અને સુધારેલા નિર્ણયથી ગુજરાતના હજારો ખેડૂતોને સીધો ફાયદો થશે. એક હેક્ટરના ક્લસ્ટરના નિયમથી વધુમાં વધુ ખેડૂતો જોડાઈ શકશે અને તેમના ઊભા પાકને રખડતા પશુઓ તથા જંગલી પ્રાણીઓના ત્રાસથી કાયમી સુરક્ષા મળશે તેવી પૂરી આશા સેવાઈ રહી છે.