ગુજરાત હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ અને સંવેદનશીલ કેસમાં ૧૩ વર્ષની દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની મંજૂરી આપી છે. પીડિતાને ૧૯ અઠવાડિયાનો ગર્ભ હોવાનું સામે આવતા તેના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કોર્ટ સમક્ષ અરજી કરવામાં આવી હતી.
માહિતી અનુસાર, પીડિતા સાથે થયેલા દુષ્કર્મ મામલે ઉના પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતા અને પોક્સો કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પીડિતાની નાબાલિગ ઉંમર અને તેની પર પડી રહેલી માનસિક અસરને ધ્યાનમાં રાખીને ગર્ભપાત માટે કાનૂની મંજૂરી માગવામાં આવી હતી.
હાઇકોર્ટના અગાઉના આદેશના અનુસંધાનમાં જીએમઇઆરએસ મેડિકલ કોલેજ હોસ્પિટલ, જૂનાગઢના નિષ્ણાત ડાક્ટરોની ટીમે પીડિતાની તબીબી તપાસ કરી હતી. મેડિકલ રિપોર્ટમાં જણાવાયું હતું કે ગર્ભપાત તબીબી રીતે શકય છે અને તેમાં જાખમનું પ્રમાણ ખૂબ ઓછું છે.જા કે પીડિતામાં એનિમિયા હોવાનું પણ સામે આવ્યું હતું. આથી જરૂરી સારવાર અને તબીબી દેખરેખ હેઠળ ગર્ભપાતની પ્રક્રિયા હાથ ધરવાની ભલામણ કરવામાં આવી હતી.
ચુકાદા દરમિયાન હાઇકોર્ટે નોંધ્યું કે દુષ્કર્મના પરિણામે રહેલો ગર્ભ પીડિતાના માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર સમાન છે. કોર્ટે જણાવ્યું કે બંધારણની કલમ ૨૧ હેઠળ દરેક મહિલાને પોતાના શરીર અને પ્રજનન સંબંધિત નિર્ણયો લેવાનો અધિકાર પ્રાપ્ત છે.કોર્ટે અવલોકન કર્યું કે નાબાલિગ પીડિતાને દુષ્કર્મ કરનારના બાળકને જન્મ આપવા અને ઉછેરવા માટે મજબૂર કરવું તેના માટે અત્યંત આઘાતજનક અને અમાનવીય પરિસ્થીતિ સર્જી શકે છે.
હાઇકોર્ટે જીએમઇઆરએસ મેડિકલ કોલેજ, જૂનાગઢના સુપ્રિન્ટેન્ડન્ટને ત્રણ વરિષ્ઠ ગાયનેકોલોજિસ્ટ અને એક સાયકિયાટ્રિસ્ટ સહિતની નિષ્ણાત ટીમ રચી તાત્કાલિક ગર્ભપાતની પ્રક્રિયા હાથ ધરવાનો આદેશ આપ્યો છે.સાથે જ ગર્ભના પેશીઓના નમૂનાઓ વૈજ્ઞાનિક રીતે એકત્રિત કરીને તપાસ અધિકારીને ડીએનએ ઓળખ અને પુરાવા માટે સોંપવાની પણ સૂચના આપવામાં આવી છે.
કોર્ટના આદેશ મુજબ જા ગર્ભપાત દરમિયાન બાળક જીવિત જન્મે તો હોસ્પિટલ દ્વારા તેને શ્રેષ્ઠ તબીબી સારવાર અને જરૂરી સંભાળ પૂરી પાડવી પડશે. જા પીડિતા અથવા તેનો પરિવાર બાળકની જવાબદારી સ્વીકારવા તૈયાર ન હોય, તો રાજ્ય સરકાર અને સંબંધિત એજન્સીઓએ કાયદાકીય જાગવાઈઓ મુજબ તેની સંપૂર્ણ જવાબદારી સંભાળવાની રહેશે.આ ચુકાદો પીડિતાના સ્વાસ્થ્ય, માનસિક સ્થીતિ અને કાનૂની અધિકારોને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યો હોવાનું કોર્ટના નિરીક્ષણોમાં સ્પષ્ટ થાય છે.









































