પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે અમરેલીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું હતું. જેમાં  એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી  જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષ સ્થાને અને ઉર્જા તેમજ કાયદો રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલી આ પ્રેસ કોન્ફરન્સમાં ‘વિકસિત ભારત ૨૦૪૭’ના સંકલ્પ અંગે
વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.પ્રભારી મંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા ૧૨ વર્ષની સિધ્ધિઓ માત્ર વિકાસના આંકડા નથી, પરંતુ કરોડો દેશવાસીઓના જીવનમાં આવેલા સકારાત્મક પરિવર્તનનું પ્રતિબિંબ છે. “સબકા સાથ, સબકા વિકાસ”ના મંત્ર સાથે કેન્દ્ર સરકારની ઉજ્જ્વલા યોજના, આયુષ્માન ભારત અને પી.એમ. સ્વનિધિ જેવી લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ સમાજના છેવાડાના માનવી સુધી પહોંચ્યો છે.તેમણે ઉમેર્યું કે ગુજરાતને ગિફ્‌ટ સિટી, ધોલેરા એસ.આઈ.આર., મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન, ખાવડા હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક અને સેમિકન્ડક્ટર હબ જેવા અનેક ઐતિહાસિક પ્રોજેક્ટ્‌સ મળ્યા છે. અમરેલી જિલ્લાના વિકાસનો ઉલ્લેખ કરતા તેમણે રેલવે બ્રોડગેજ સુવિધા, સ્પોટ્‌ર્સ કોમ્પ્લેક્સ અને ઐતિહાસિક રાજમહેલના રિનોવેશન જેવા પ્રકલ્પોની વિગતો આપી હતી.આ પ્રસંગે સાંસદ ભરતભાઈ સુતરીયા, ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, જે.વી. કાકડીયા અને જનકભાઈ તળાવીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ દક્ષાબેન ચોડવડીયા, અમરેલી નગરપાલિકાના પ્રમુખ  વૈશાલીબેન માંગરોળીયા, રાજકોટના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, પૂર્વ કૃષિ મંત્રીઆર.સી.ફળદુ,અતુલભાઈ કાનાણી સહીત જિલ્લાના જનપ્રતિનિધિઓ તથા પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.