બગસરા તાલુકાના ઘંટિયાણ ગામની સીમમાં આવેલી એક વાડીમાં સિંહણેના હુમલામાં સાત વર્ષના પરપ્રાંતીય બાળકનું કરુણ મોત થતાં સમગ્ર પંથકમાં શોક અને ભયનો માહોલ છવાઈ ગયો છે. પ્રાપ્ત માહિતી મુજબ, પારસભાઈ સોજીત્રાની વાડીમાં ખેતમજૂરી અર્થે રહેતા એક પરપ્રાંતીય પરિવારનો સાત વર્ષનો પુત્ર દિનેશ રાત્રિના સમયે લઘુશંકા કરવા માટે બહાર ગયો હતો. તે દરમિયાન અંધારાનો લાભ લઈ આવેલા સિંહણે તેના પર અચાનક હુમલો કર્યો હતો. સિંહણ બાળકને દબોચીને ઘટનાસ્થળેથી અંદાજે એકથી દોઢ કિલોમીટર દૂર લઈ ગઈ હતી. બાળકના પરિવારજનોએ બૂમાબૂમ કરતાં અને તેની પાછળ દોડ કરતાં સિંહણે બાળકને છોડીને ત્યાંથી જતી રહી હતી. જોકે ત્યાં સુધીમાં બાળક ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો અને તેનું મૃત્યુ નિપજ્યું હતું. આ ઘટના બાદ આસપાસના વિસ્તારોના લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બગસરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ વધુ કાર્યવાહી માટે અમરેલી લઈ જવામાં આવ્યો હતો. બાળકના પરિવારજનોએ વન વિભાગ સમક્ષ યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે માનવ વસાહતોની નજીક આવતા અને માનવજીવન માટે જોખમરૂપ બનતા વન્ય પ્રાણીઓને જંગલ વિસ્તારમાં ખસેડવા જરૂરી છે. સરપંચ એસોસિએશનના પ્રમુખ કિશોરભાઈ કાનપરિયાએ જણાવ્યું હતું કે છેલ્લા છ મહિનામાં બગસરા પંથકમાં આ પ્રકારની બીજી દુર્ઘટના બની છે. અગાઉ હામાપુર ગામ નજીક પણ સમાન ઘટના બની હતી. સતત વધી રહેલા આવા બનાવોને ધ્યાનમાં રાખીને ખેડૂતો અને ગ્રામજનોની સલામતી માટે અસરકારક પગલાં ભરવાની માંગ ઉઠી રહી છે.

વનમંત્રી વનઅધિકારીઓ સામે ફરિયાદ નોંધાવે: રમેશ સતાસીયા
બગસરા તાલુકા પંચાયતના પ્રમુખ રમેશ સતાસીયાએ રોષ સાથે જણાવ્યું હતું કે, રોડ પર ગાડી જતી હોય અને વન્યપ્રાણી રોડ પર આવે જેથી મોતને ભેટે છે ત્યારે વનવિભાગ ચાલકનો દોષ ન હોવા છતાં તેમના પર ફરિયાદ નોંધે છે તો વન્યપ્રાણીઓ રેવન્યૂ વિસ્તારમાં આવી લોકોને મોતને ઘાટ ઉતારે છે ત્યારે કોની જવાબદારી તેવો સવાલ ઉઠાવ્યો હતો. સીમ વિસ્તારમાં બાળકના મોત માટે વન અધિકારીઓ જવાબદાર હોવાથી વનમંત્રી અધિકારીઓ પર ફરિયાદ નોંધાવે તેવી માંગ કરી હતી.

સિંહણ પાંજરે પુરાઈ છતાં ગ્રામજનોમાં રોષ
બગસરા પંથકમાં છાશવારે વન્યપ્રાણીનો આતંક હોવાથી માનવજીવો મોતને ભેટે છે. ઘટનાની ગંભીરતા લઈ વનવિભાગ દ્વારા પાંજરા ગોઠવવામાં આવ્યા હતા જેમાં સિંહણ બે બચ્ચા સાથે આબાદ ઝડપાઈ જતા વનવિભાગે રાહતનો શ્વાસ લીધો હતો.જા કે સિંહણ તેના બે બચ્ચા સાથે પાંજરે પુરાયા બાદ પણ વનવિભાગની બેદરકારીને લઈ ગ્રામજનોમાં આક્રોશ ફેલાયો છે.

બાળકનો મૃતદેહ સ્વીકારવાની પરિવારે ના પાડી, ખેડૂતો ન્યાયની માંગ સાથે ઘટનાસ્થળે બેસી ગયા
બગસરા પંથકમાં વારંવાર વન્યપ્રાણીના હુમલામાં લોકોના મોત નિપજતા હોવાથી ગ્રામજનોમાં રોષ યથાવત છે. સિંહણના હુમલામાં બાળકનું મોત થતા વન અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ સાથે બાળકના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાની ના પાડતા વન અધિકારીઓમાં દોડધામ મચી જવા પામી છે. ભવિષ્યમાં આવા બનાવ ન બને અને ન્યાયની માંગ સાથે કાંતીભાઈ સતાસીયા સહિતના આગેવાનો અને ખેડૂતો ઘટનાસ્થળે જ બેસી ગયા હતા.

આભાર – નિહારીકા રવિયા