બાબરાના ખંભાળા ગામે ફોન પર પત્ની સાથે ઊંચા અવાજે અપશબ્દો બોલતા એક યુવક પર પડોશીઓએ હિંસક હુમલો કર્યો હતો. ૩૩ વર્ષીય અનિલભાઈ મકવાણા પોતાની પત્નીને પિયરથી તેડવા બાબતે ફોન પર બોલાચાલી કરી રહ્યા હતા. તેમની બાજુમાં રહેતા કલ્પેશભાઈ રાણીંગા, પોપટભાઈ રાણીંગા, ભગાભાઈ રાણીંગા અને રતાભાઈ જોગસ્વાએ બહેન-દીકરીઓ બહાર સૂતી હોવાનું કહી વાંધો ઉઠાવ્યો હતો. આ તકરાર ઉગ્ર બનતા ચારેય પડોશીઓ લોખંડના પાઈપ અને લાકડી જેવા ઘાતક હથિયારો સાથે અનિલભાઈના ઘરે ધસી ગયા હતા. હુમલાખોરોએ અગાસી પર જઈને અનિલભાઈને કપાળના ભાગે પાઈપ મારી ત્રણ ટાંકા આવે તેવી ઈજા કરી હતી અને હાથ પર વાર કરીને ફ્રેક્ચર જેવી મૂંઢ ઈજાઓ પહોંચાડી હતી. હુમલાખોરોએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ મામલે બાબરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.










































