અમરેલીના સરંભડા ગામે માટીના ફેરા ભરવાની ના પાડતા ગાળો બોલી ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો. ઉપરાંત ફોરવ્હીલ કાર પર તલવારના ઘા પણ ઝીંક્યા હતા. આ અંગે અનિલભાઇ જયંતીભાઇ દુધાત (ઉ.વ.૪૧)એ રણજીતભાઇ મંગળુભાઇ વાળા સામે ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદ મુજબ, અનિલભાઈની માલિકીનું હિટાચી મશીન ઉનાળામાં તળાવમાંથી માટી ભરવાનું કામ કરતું હતું. દરમિયાન માટી ભરવાનું કામ બંધ થઇ જતાં, તેમણે આરોપી રણજીતભાઇ વાળાને માટીના ફેરા ભરવાની ના પાડી હતી. જેનું મનદુઃખ રાખી આરોપીએ રોડ ઉપર ફોરવ્હીલ સામે પોતાની મોટરસાયકલ ઊભી રાખી દીધી હતી અને તલવારના બે ઘા ફોરવ્હીલ પર મારી ગાડીનો કાચ તોડી નાખ્યો હતો. તેમજ ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ જે.કે.ડામોર વધુ તપાસ કરી રહ્યા છે.










































