વડિયા તાલુકાના ઢૂંઢિયા પીપળીયા ગામમાં છેલ્લા છ મહિનાથી મોબાઈલ નેટવર્કની ગંભીર સમસ્યાને કારણે ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ગામમાં ૨ થી ૩ મોબાઈલ ટાવર હોવા છતાં કનેક્ટિવિટી ન મળતા લોકોને નેટવર્ક શોધવા મકાનોની અગાશીઓ કે ટાવર નીચે ઊભા રહેવું પડે છે. તાજેતરમાં ગામમાં ૧૪ થી ૧૫ લોકોને હડકાયા શ્વાને કરડવાની ગંભીર ઘટના બની હતી. આ કટોકટીના સમયે નેટવર્ક ન હોવાને કારણે ૧૦૮ એમ્બ્યુલન્સનો સંપર્ક કરવામાં ભારે મુશ્કેલી પડી હતી અને કનેક્ટિવિટી વારંવાર કપાતી હતી. ખેતી પ્રધાન એવા આ મોટા ગામમાં ખેડૂતોને ઓનલાઈન સાત-બારના ઉતારા મેળવવા, કૂવાની મોટર ચાલુ કરવા કે મજૂરો સાથે વાત કરવા માટે પણ મુશ્કેલી પડી રહી છે.ગામના ઉપસરપંચ બીછુંભાઈ બસિયા અને અગ્રણી ગજેન્દ્રભાઈ પટોળીયા સમક્ષ ગ્રામજનોએ આ અંગે રોષપૂર્વક રજૂઆત કરી છે. લોકોની માંગ છે કે મોબાઈલ કંપનીઓ તાત્કાલિક આ ટેકનિકલ ખામી દૂર કરે. જો આ સમસ્યાનું વહેલી તકે કાયમી નિવારણ નહીં આવે, તો ગ્રામજનોએ ટાવર પાસે ‘હવન’ કરવાની ચીમકી આપી છે.










































