અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચને કિંમતી સોનાના દાગીનાની ચોરી કરતી મહિલાને ઝડપી પાડવામાં સફળતા મળી છે. બાવળાની એક જ્વેલર્સની દુકાનમાંથી ગ્રાહક બનીને સોનાની વીંટીઓ ચોરી ફરાર થઈ ગયેલી વડોદરાની આ મહિલાની ધરપકડ બાદ ચાર અલગ-અલગ શહેરોમાં થયેલી ચોરીના ગુનાના ભેદ ઉકેલાયા છે.
મળતી માહિતી અનુસાર, થોડા સમય પહેલાં બાવળા ખાતે આવેલી જ્વેલર્સની દુકાનમાં મહિલા ખરીદી કરવાના બહાને ગ્રાહક બનીને આવી હતી. દુકાનના કર્મચારીઓ જ્યારે દાગીના બતાવવામાં વ્યસ્ત હતા, ત્યારે તેમની નજર ચૂકવીને આ મહિલા સોનાની વીંટીઓ ચોરીને રફુચક્કર થઈ ગઈ હતી. આ ઘટના અંગે ફરિયાદ નોંધાતા અમદાવાદ ગ્રામ્ય એલસીબી પી.આઈ. આર.એન. કરમટિયાના સીધા માર્ગદર્શન હેઠળ એક ખાસ ટીમની રચના કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સની મદદથી સચોટ આયોજન પૂર્વક વોચ ગોઠવીને વડોદરાની પ્રવિણાબહેન ઉર્ફે ટીની સેનવા નામની મહિલાની ધરપકડ કરી હતી.
પોલીસ સ્ટેશન લાવીને જ્યારે આ મહિલાની પૂછપરછ કરવામાં આવી ત્યારે ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી હતી. આ મહિલાએ કબૂલાત કરી હતી કે તેણે માત્ર બાવળા જ નહીં, પરંતુ ધ્રાંગધ્રા, વિજાપુર અને વિસનગરની જ્વેલર્સની દુકાનોમાં પણ આ જ પ્રકારે ગ્રાહક બની કર્મચારીઓની નજર ચૂકવીને ચોરીઓ આચરી હતી. એટલું જ નહીં, પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ મહિલા અમદાવાદ શહેરના રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના એક ગુનામાં પણ લાંબા સમયથી નાસતી-ફરતી આરોપી હતી. હાલ એલસીબી પોલીસે મહિલાની અટકાયત કરી તેની પાસેથી વધુ મુદ્દામાલ રિકવર કરવા તજવીજ હાથ ધરી છે.










































