ધારી ગીર પૂર્વ ડિવિઝનની સરસીયા રેન્જના લુવારીયા કૃષ્ણગઢ વિસ્તારમાંથી ગઈ કાલે એક સિંહણનો મૃતદેહ મળી આવતા વનવિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. આ ઘટનાને પગલે જૂનાગઢના ચીફ ફોરેસ્ટ કન્ઝર્વેટર રામ રતન નાલાએ ત્વરિત એક્શન લઈને ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. ગીર પૂર્વ, શેત્રુંજી અને વિસ્તરણ ડિવિઝનના એસીએફ કક્ષાના અધિકારીઓની સંયુક્ત ટીમે સ્થળ મુલાકાત લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ ખાસ તપાસ ટીમ સિંહણનો મૃતદેહ કેટલા દિવસોથી ત્યાં પડ્‌યો હતો, સ્થાનિક સ્ટાફને તેની જાણ કેમ ન થઈ અને આ ગંભીર બેદરકારી પાછળ કોણ જવાબદાર છે તે તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ કરીને અહેવાલ સોંપશે.