ચલાલાના મહાદેવપરાસ્થિત સન્યાસ આશ્રમ ખાતે પવિત્ર અધિક માસ નિમિત્તે ભક્તિમય વાતાવરણ વચ્ચે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. રસીલાબેન મુકેશભાઈ વ્યાસ તથા દીપ્તિબેન મુકેશભાઈ વ્યાસ દ્વારા દરરોજ સવારે પુરુષોત્તમ ભગવાનની વિધિવત પૂજા-પૂજન, આરાધના અને વાર્તાનું વાચન કરવામાં આવે છે. સાંજે ૫ઃ૦૦ થી ૬ઃ૦૦ કલાક દરમિયાન પુરુષોત્તમ મહાત્મ્યના અધ્યાયોના પાઠ તથા તેના ધાર્મિક મહત્વનું વિસ્તૃત વર્ણન કરવામાં આવે છે. બંને સમયના આ ધાર્મિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હિન્દુ પંચાંગ મુજબ ચંદ્રવર્ષ અને સૂર્યવર્ષ વચ્ચે દર વર્ષે થોડો સમયગાળો વધતો જાય છે. આ તફાવતને સંતુલિત કરવા માટે અંદાજે દર ત્રણ વર્ષે એક વધારાનો માસ ઉમેરવામાં આવે છે, જેને અધિકમાસ અથવા પુરુષોત્તમ માસ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે લગભગ ત્રણ વર્ષે એક વખત આવતો આ પવિત્ર માસ અત્યંત શુભ અને પુણ્યપ્રદ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ આ માસ દરમિયાન કરવામાં આવતી ભક્તિ, જપ, તપ, દાન, વ્રત, કથા-શ્રવણ અને ભગવાનના નામસ્મરણનું અનેકગણું ફળ પ્રાપ્ત થાય છે.









































