ધારી નજીક આવેલા પ્રખ્યાત ખોડિયાર ડેમ ખાતે એક અત્યંત આઘાતજનક અને કમનસીબ ઘટના સામે આવી છે, જેમાં એક આશાસ્પદ યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. પ્રપ્ત વિગતો અનુસાર, ડેમમાં ડૂબી જવાથી જે યુવકનું મૃત્યુ થયું છે તેની ઓળખ બોટાદના ૨૮ વર્ષીય હરપાલભાઈ શિવકુભાઈ ખાચર તરીકે થઈ છે. આ અકસ્માતની જાણ થતાં જ ધારી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ભારે જહેમત બાદ યુવકને બહાર કાઢી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ધારી સિવિલ હોસ્પિટલ ખસેડ્‌યો હતો, પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું. યુવકના ડૂબવાના સમાચાર વાયુવેગે પ્રસરતા જ સ્થાનિક લોકો અને પ્રવાસીઓના મોટા ટોળા ખોડિયાર ડેમ ખાતે એકઠા થઈ ગયા હતા.