અમરેલી શહેરમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ના મોટાભાગના એટીએમ સેન્ટરો છેલ્લા કેટલાક સમયથી માત્ર શોભાના ગાંઠિયા સમાન બનીને રહી ગયા છે. શહેરમાં આવેલા એસબીઆઈના મુખ્ય એટીએમ મશીનો અવારનવાર બંધ હાલતમાં જોવા મળે છે અથવા તો તેમાં રોકડ રકમ ઉપલબ્ધ હોતી નથી. આ ગંભીર સમસ્યાના કારણે સામાન્ય નાગરિકો, વેપારીઓ અને નોકરિયાત વર્ગને પોતાના જ નાણાં ઉપાડવા માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને તહેવારો, જાહેર રજાઓ અથવા ઈમરજન્સીના સમયે જ્યારે લોકોને તાત્કાલિક નાણાકીય વ્યવહાર કરવાની જરૂર હોય છે, ત્યારે આ એટીએમ કેન્દ્રો પર ‘આઉટ ઓફ સર્વિસ’ ના બોર્ડ લટકતા જોવા મળે છે. ડિજિટલ ઈન્ડિયાના આ યુગમાં પણ બેંકની આવી અણઘડ વ્યવસ્થાને લીધે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સ્થાનિકો દ્વારા એટીએમ સેવાઓ ઝડપથી સુધારવા માટે ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે.










































