બગસરા શહેરમાં બાળકો અને વડીલો માટે આહલાદક સ્થળ સમાન અટલજી પાર્ક તાવતે વાવાઝોડામાં સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો હતો. વર્ષ ૨૦૧૦માં તત્કાલીન નગરપાલિકા પ્રમુખ કુસુમબેન ડોડીયાના માર્ગદર્શન હેઠળ પાલિકાના ઉત્સાહી કર્મચારી ચેતન દેવલુકે રાત-દિવસ એક કરીને માત્ર ત્રણ વર્ષમાં આ સુંદર બગીચો તૈયાર કર્યો હતો, જેનું લોકાર્પણ પૂર્વ કૃષિમંત્રી દિલીપભાઈ સંઘાણીના હસ્તે કરાયું હતું. વાવાઝોડા બાદ વહીવટી ઉદાસીનતાને લીધે છેલ્લા છ વર્ષથી આ પાર્ક બિસ્માર હાલતમાં હતો. હવે સરકારની ગ્રાન્ટમાંથી રૂપિયા બે કરોડના ખર્ચે આ બગીચાની ભવ્ય કાયાપલટ કરવામાં આવી રહી છે. નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરે પ્રશંસનીય નિર્ણય લઈને ભૂતકાળમાં ૧૨ વર્ષ સુધી આ બાગને લોહી-પરસેવો વહાવીને સીંચનાર ચેતન દેવલુકને ફરીથી વૃક્ષો અને ફૂલછોડ ઉછેરવાની મહત્વની જવાબદારી સોંપી છે, જેથી ટૂંક સમયમાં જ બગસરા શહેરની રોનક ફરી પાછી ખીલી ઉઠશે.







































