બાબરા શહેરમાંથી પસાર થતા હાઇવે પર આવેલી કેટલીક હોટલો અને ઢાબાઓ બહાર વાહનોનું આડેધડ પાર્કિંગ કરવામાં આવતું હોવાથી અકસ્માતની શક્યતાઓ વધી રહી છે. ખાસ કરીને હાઇવેની સાઇડમાં ટ્રક, બસ, કાર તેમજ અન્ય વાહનો અડચણરૂપ ઊભા રાખવામાં આવતા હોવાથી રસ્તા પર અવર-જવરમાં મુશ્કેલી પડે છે. સ્થાનિક લોકો અને વાહનચાલકોના જણાવ્યા મુજબ રાત્રિના સમયે હોટલો પાસે વાહનોની લાંબી કતારો લાગતી હોવાથી અન્ય વાહનચાલકોને રસ્તાની સ્થિતિનો અંદાજ આવતો નથી, જેના કારણે અકસ્માત સર્જાવાનો ભય સતત રહે છે. હાઇવે પર ઝડપી ગતિએ પસાર થતા વાહનો માટે આ સ્થિતિ વધુ જોખમી બની રહી છે. નાગરિકોમાં એવી પણ માંગ ઉઠી છે કે ટ્રાફિક પોલીસ દ્વારા નિયમિત પેટ્રોલિંગ કરી હાઇવે પર ગેરકાયદે અને જોખમી રીતે પાર્ક કરાયેલા વાહનો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. સાથે જ હોટેલના સંચાલકોને પણ પોતાના પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવે જેથી હાઇવે પર ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે.