રાજ્યના પાટનગર ગાંધીનગરમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આયોજિત ‘એક પેડ મા કે નામ ૩.૦’ કાર્યક્રમ પહેલા એક ચર્ચા જગાવનારી ઘટના બની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આગમન પૂર્વે કાર્યક્રમ સ્થળે અચાનક સાપ દેખાયો હતો. વન વિભાગ અને રેસ્ક્યુ ટીમની સતર્કતાના કારણે સ્થિતિ તાત્કાલિક કાબૂમાં આવી ગઈ હતી.

મળતી માહિતી મુજબ, કાર્યક્રમની તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે વૃક્ષારોપણ માટે તૈયાર કરાયેલા વિસ્તારમાં એક સાપ દેખાયો હતો. સુરક્ષા કર્મચારીઓ અને આયોજકોની નજર પડતા તરત જ રેસ્ક્યુ ટીમને જાણ કરવામાં આવી હતી. ટીમ સ્થળ પર પહોંચી અને કોઈપણ પ્રકારની અફરાતફરી સર્જાયા વગર સાપને સુરક્ષિત રીતે પકડી લીધો હતો. રેસ્ક્યુ ટીમે સાપને કોઈ નુકસાન પહોંચાડ્યા વગર કોથળામાં મૂકીને સ્થળ પરથી દૂર લઈ જવાની કાર્યવાહી કરી હતી. સમગ્ર ઘટનાના વિઝ્યુઅલ્સ પણ સામે આવ્યા છે, જેમાં ટીમના સભ્યો સાપને સાવચેતીપૂર્વક પકડીને લઈ જતા જાવા મળે છે.

આ દરમિયાન કાર્યક્રમની સુરક્ષા વ્યવસ્થા અને સ્થળનું ફરીથી નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ ખાતરી કરી હતી કે, સ્થળ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને કાર્યક્રમના આયોજનમાં કોઈ વિક્ષેપ નહીં આવે.

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત મયંક નાયક, મીરાબેન પટેલ, પ્રવીણ મલી અને આશિષ દવે સહિતના આગેવાનો હાજર રહેવાના હતા. કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવાનો મુખ્ય ઉદ્દેશ રાખવામાં આવ્યો હતો. જોકે સાપ દેખાવાની ઘટનાએ થોડા સમય માટે લોકોનું ધ્યાન ખેંચ્યું, પરંતુ રેસ્ક્યુ ટીમની ઝડપી કામગીરીને કારણે કોઈ જાનહાનિ કે ઇજા થઈ નહોતી. ઘટનાને પગલે વન્યજીવોના સંરક્ષણ અને માનવ-વન્યજીવ સહઅસ્તીત્વ અંગે પણ ચર્ચા જાવા મળી હતી.

વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ, વરસાદી મોસમની શરૂઆત અને હરિયાળા વિસ્તારોમાં આવા સરિસૃપો જોવા મળવું અસામાન્ય બાબત નથી. આવા સંજાગોમાં ગભરાવાની જગ્યાએ નિષ્ણાતોની મદદ લેવી વધુ યોગ્ય ગણાય છે. કાર્યક્રમ બાદ પણ આ ઘટનાના વિઝ્યુઅલ્સ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા હતા, જ્યાં અનેક લોકોએ રેસ્ક્યુ ટીમની કામગીરીની પ્રશંસા કરી હતી.