ખાંભા તાલુકાના કંટાળા ગામેથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં માત્ર જમીનની ભાગબટાઈના એક સામાન્ય વિવાદે એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું કે સગા મોટા ભાઈ અને તેના પરિવારે મળીને પોતાના જ નાના ભાઈની નિર્મમ હત્યા કરી નાખી. આ લોહીયાળ સંઘર્ષમાં વચ્ચે પડેલા મૃતકના પત્ની અને અન્ય એક મહિલા પર પણ ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો. આ ચકચારી ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ ખાંભા પોલીસે ઘટનાસ્થળે પહોંચી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કંટાળા ગામે રહેતા સોંદરવા પરિવારમાં માતાના નામે આશરે ત્રણ વીઘા જેટલી જમીન આવેલી છે. આ જમીનની સત્તાવાર ભાગબટાઈ હજુ સુધી થઈ ન હોવા છતાં, ગત મોડી રાત્રે મોટા ભાઈ નાનજીભાઈ સોંદરવા વિવાદિત જમીનમાં ટ્રેક્ટરનું રોટાવેટર ચલાવવા પહોંચ્યા હતા. આ જોઈ નાના ભાઈ રાઘવભાઈ ભગવાનભાઈ સોંદરવા ત્યાં દોડી ગયા હતા અને કાયદેસરના ભાગ પાડ્યા પછી જ ખેડ કરવા જણાવ્યું હતું. આ સાંભળી મોટા ભાઈ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને સામાન્ય બોલાચાલી જોતજોતામાં ઉગ્ર ઝઘડામાં ફેરવાઈ ગઈ હતી. પૂર્વ આયોજિત વેર રાખીને નાનજીભાઈ અને તેમનો પરિવાર ઘાતકી હથિયારો સાથે તૂટી પડ્યો હતો. નાનજીભાઈએ લાકડીથી અને નરશીભાઈએ ખરપિયા વડે રાઘવભાઈ પર આડેધડ ઘા કર્યા હતા. તે દરમિયાન રાજુભાઈએ ક્રૂરતાપૂર્વક કુહાડીના બે જીવલેણ ઘા માથાના પાછળના ભાગે મારી તેમને જમીન પર ઢાળી દીધા હતા. રાઘવભાઈ લોહીલુહાણ હાલતમાં તરફડતા હોવા છતાં આરોપીઓએ લાકડી, કુહાડી અને જાડા વાયર વડે બેરહેમીથી માર મારવાનું ચાલુ રાખ્યું હતું, જેના કારણે રાઘવભાઈનું કરુણ મોત નીપજ્યું હતું. આ સમયે પતિને બચાવવા વચ્ચે પડેલા તેમના પત્ની અને પડોશી આરતીબેન પર પણ આરોપી પક્ષની મહિલાઓ કાંતુબેન અને ગીતાબેને લાકડીઓ વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. હુમલાખોરો જતાં-જતાં જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા, જે અંગે ખાંભા પોલીસે હત્યા અને રાયોટિંગનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.






































