અમરેલીમાં મહિલા કોલેજ, લો કોલેજ તથા તાલીમ ભવન તરફ જતા મુખ્ય માર્ગ પર છેલ્લા ઘણા સમયથી ગટર જામ થવાની ગંભીર સમસ્યા સર્જાઈ હતી. જેના કારણે દરરોજ અંદાજે ૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ સ્થાનિક નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. આ પ્રશ્નના કાયમી નિરાકરણ માટે વોર્ડ નંબર-૩ ના સભ્યો દ્વારા અમરેલી નગરપાલિકાના પ્રમુખ વૈશાલીબેન માંગરોળીયા તથા ચીફ ઓફિસર વિજયભાઈ રાઠોડ સમક્ષ લેખિત રજૂઆત કરવામાં
આવી હતી. રજૂઆતને ગંભીરતાથી લઈ નગરપાલિકાની ટીમે તાત્કાલિક કામગીરી હાથ ધરી ગટરની સંપૂર્ણ સફાઈ કરાવી તેમજ જરૂરી સ્થળે નવી ગટર ચેમ્બરનું નિર્માણ કરી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં સફળતા મેળવી છે. આવી ઝડપી કામગીરીના પરિણામે વિદ્યાર્થીઓ અને સ્થાનિક રહેવાસીઓને મોટી રાહત મળી છે.
આ કામગીરી બદલ સંસ્થા તરફથી પાલિકાના પ્રમુખ વૈશાલીબેન, ચીફ ઓફિસર વિજયભાઈ, વોર્ડ નંબર-૩ના તમામ સભ્યો તથા નગરપાલિકાની ટીમનો લેખિતમાં આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.આ તકે ઉપપ્રમુખ વિરલભાઈ પોપટ, કારોબારી ચેરમેન મૌલિકભાઈ ઉપાધ્યાય, સંદીપભાઈ માંગરોળીયા, હરપાલભાઈ ધાધલ, દેવરાજભાઈ બાબરીયા, ચિરાગભાઈ ત્રિવેદી વિદુરભાઈ ડાબસરા, કૌશલભાઈ સાવલીયા ઉપસ્થિત રહ્યા હતા.