રાજુલા પંથકમાં એક પરિણીતાએ વારંવાર કસુવાવડ (ગર્ભપાત) થવાના દુઃખ અને માનસિક કંટાળાના કારણે પોતાના જ ઘરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પરિણીતાને ગંભીર હાલતમાં સારવાર અર્થે મહુવાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.મળતી વિગતો મુજબ, રાજુલા પંથકમાં રહેતા ઉષાબેનના લગ્ન આજથી બે વર્ષ પહેલાં થયા હતા. લગ્નજીવન દરમિયાન તેમને ત્યાં કોઈ સંતાનનો જન્મ થયો નહોતો. આ સમયગાળા દરમિયાન તેમને ત્રણ વખત અઢીથી ત્રણ મહિને કસુવાવડ થઈ ગઈ હતી. સંતાન સુખ ન મળવાને કારણે અને વારંવાર શારીરિક-માનસિક પીડામાંથી પસાર થવાના લીધે તેઓ ભારે કંટાળી ગયા હતા અને માનસિક તણાવમાં રહેતા હતા. બે દિવસ પહેલાં તેમણે પોતાના ઘરના રૂમમાં પંખા સાથે ઓછાડ બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ પરિવારજનો તાત્કાલિક રૂમમાં દોડી ગયા હતા અને તેમને નીચે ઉતારી, ગંભીર હાલતમાં તાબડતોબ મહુવાની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કર્યા હતા. રાજુલા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એન. બી. ગોરડિયા વધુ તપાસ કરી રહ્યા છે.