ચલાલા શહેરમાં આરોગ્ય, રસ્તા અને શિક્ષણ સુવિધાઓના સર્વાંગી વિકાસ માટે અંદાજે ૬૪ કરોડ રૂપિયાથી વધુની માતબર ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. સ્થાનિક ધારાસભ્ય જે.વી. કાકડીયાના અથાક પ્રયાસોના પરિણામે આ ભંડોળ ચલાલાના નાગરિકોના હિતાર્થે ફાળવાયું છે. આ ભંડોળ અંતર્ગત કેરીયા રોડ અને અમરેલી રોડ (રિલાયન્સ પેટ્રોલ પંપથી ખાંભા રોડ ગેટ સુધી)ના સર્વેનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે, જેનાથી શહેરીજનોની પરિવહન સુવિધા સુધરશે. આરોગ્ય ક્ષેત્રે સામુહિક આરોગ્ય કેન્દ્રના બિલ્ડિંગ માટે સાત કરોડ રૂપિયા મંજૂર કરાયા છે. ચલાલા તાલુકા મથક હોવાથી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોની માંગણીને ધ્યાનમાં રાખીને હોસ્પિટલને ૭૦ બેડની બનાવવા માટે પ્રક્રિયામાં સુધારો કરાયો છે, જેથી ભવિષ્યમાં લોકોને વધુ ગુણવત્તાયુક્ત સુવિધા મળશે. શિક્ષણ ક્ષેત્રે પણ ચલાલા શહેરની તમામ પ્રાથમિક શાળાઓના નવીનીકરણ માટે કરોડો રૂપિયા ફાળવીને તેમને અત્યાધુનિક બનાવવામાં આવી છે. આ ઉપરાંત, ધારાસભ્યના સતત પ્રયાસોથી ચલાલાને નવી સરકારી માધ્યમિક શાળા મંજૂર થતાં સ્થાનિક અને ગ્રામ્ય વિસ્તારના હજારો વિદ્યાર્થીઓ માટે શિક્ષણની નવી તકો ખુલશે.