ડિજિટલ દુનિયા જેટલી આધુનિક છે, એટલી જ તે ગુનેગારો માટે હવે નવું હથિયાર બની રહી છે. અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના એક યુવાનને સોશિયલ મીડિયા અને ‘ગ્રાઇન્ડર’ નામની ગે ડેટિંગ એપના માધ્યમથી પ્રેમની જાળમાં ફસાવી, અવાવરુ જગ્યાએ બોલાવી, છરીની અણીએ નિર્વસ્ત્ર કરી વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હજારો રૂપિયાની લૂંટ ચલાવવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. જાકે, અમરેલી પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં જ આ હનીટ્રેપ ગેંગના તમામ ૬ સાગરીતોને દબોચી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
બાબરા તાલુકાના વાંડળિયા ગામે રહેતા અજયભાઈ ગાંગડિયા નામના યુવાન ૨૪ તારીખની રાત્રે ફતેપુરથી બાયોકોલ ભરીને પોતાનો ટ્રક લઈને બાબરા તરફ જઈ રહ્યા હતા. રાત્રિના અગિયાર વાગ્યાની આસપાસ તેઓ લાઠી બાયપાસ અમરેલી ચોકડી પાસે ચા-પાણી પીવા ઊભા રહ્યા. આ દરમિયાન તેઓ મોબાઈલ સ્ક્રોલ કરતા હતા ત્યારે અજાણતા જ તેમનાથી ‘ગ્રાઇન્ડર’ નામની ડેટિંગ એપ્લીકેશન ઓપન થઈ ગઈ. જેમાં ‘જાન’ નામના એક ફેક આઈડી પરથી મેસેજ આવ્યો કે, “હું તમારી આસપાસ છું, મળવા માંગો છો?” આ મેસેજ પર ક્લિક થતાં જ ફરિયાદીનો નંબર શેર થઈ ગયો હતો અને તેણે મળવાની હા પાડી હતી.
ફેક આઇડીમાં રહેલી સામેની વ્યક્તિ સાથે ચેટિંગ બાદ જ્યારે તેઓ પોતાના ટ્રક સાથે બાબરા તરફ આગળ વધ્યા, ત્યારે લાઠી ચોકડી બાયપાસ પાસે એક એકટીવા પર સવાર થઈને બે શખ્સો હરકિશન ખસિયા અને અરમાન ભીમાણી ત્યાં ધસી આવ્યા. તેમણે ટ્રક આડું એકટીવા ઊભું રાખી, અજયભાઈને ડરાવી-ધમકાવી નીચે ઉતાર્યા અને બળજબરીથી એકટીવા પર બેસાડી રેલવે નાળા પાસે આવેલા અવાવરુ પુલિયા નજીક લઈ ગયા. જ્યાં ગુનાહિત માનસ ધરાવતા અન્ય ચાર શખ્સો પહેલાથી જ હથિયારો સાથે રાહ જાઈને બેઠા હતા.રેલવે નાળા પાસે પહોંચતા જ આ નરાધમોએ અજયભાઈ સાથે ઝપાઝપી શરૂ કરી અને ઢીકાપાટુંનો માર માર્યો. આ ગેંગના અન્ય સાગરીતો તોફિક બોમર, રોનક નાગોરી, પરવેઝ નાગોરી અને અરમાન સમા પણ ત્યાં આવી પહોંચ્યા. છ શખ્સોએ ભેગા મળી અજયભાઈને ઘેરી લીધા અને ગળા પર તીક્ષ્ણ છરી ધરી દીધી. ત્યારબાદ મોબાઈલની ફ્લેશ ચાલુ કરી, છરીની અણીએ અજયભાઈના કપડાં ઉતરાવી નાખ્યા અને તેમનો એક આપત્તિજનક વીડિયો શૂટ કરી લીધો.
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપીને આરોપીઓએ પહેલાં પાકીટમાંથી રોકડા રૂપિયા લૂંટી લીધા. આટલેથી જ ન અટકતા, તેમણે વધુ રૂપિયાની માંગણી કરી. ડરી ગયેલા ભોગ બનનારે પોતાના શેઠ અને મિત્ર પાસેથી ખોટું બોલીને ઓનલાઈન ગુગલ પે દ્વારા ૫૦૦૦ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા. આરોપીઓએ જતા-જતા પણ ધમકી આપી કે જા કાલ સુધીમાં બીજા ૪૫,૦૦૦ રૂપિયા નહીં મળે તો આ વીડિયો આખા ગામમાં વહેતો કરી દઈશું. ભયના માર્યા યુવાને ૨૬ તારીખે આખી હકીકત પોતાના શેઠને જણાવી અને મામલો અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન પહોંચ્યો. પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં આ આખી ટોળકીને દબોચી લીધી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, પકડાયેલા આરોપીઓ પૈકી મુખ્ય સૂત્રધાર હરકિશન ખસિયા રીઢો ગુનેગાર છે, જે રખડતી ભટકતી જિંદગી જીવે છે અને સુરત વિસ્તારમાં પણ તેની સામે અગાઉ ગુના નોંધાઈ ચૂક્યાં છે. રોનક નાગોરી સામે પણ અગાઉ મદદગારી અને ચોરીનો ગુનો નોંધાયેલો છે.