સમગ્ર દેશ અને રાજ્યની સાથે લીલીયા મોટા મુકામે પણ ત્યાગ અને બલિદાનના પ્રતીક સમાન પવિત્ર તહેવાર ‘ઈદ-ઉલ-અઝહા’ (બકરી ઈદ)ની મુસ્લિમ બિરાદરો દ્વારા હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પવિત્ર અવસરે વહેલી સવારે લીલીયા મોટાના ઈદગાહ ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થયેલા મુસ્લિમ સમાજના લોકોએ ઈદની વિશેષ નમાઝ અદા કરી હતી.ત્યારબાદ જુમ્મા મસ્જિદના પેશ ઈમામ બાવાંમિયા બાપુ દ્વારા દેશમાં અમન, શાંતિ, સમૃદ્ધિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે ખાસ દુઆ માંગવામાં આવી હતી. નમાઝ સંપન્ન થયા પછી લોકોએ એકબીજાને ગળે મળીને “ઈદ મુબારક” પાઠવ્યા હતા, જ્યારે બાળકો પણ નવા વસ્ત્રો સજીને ઉત્સાહભેર વડીલોના આશીર્વાદ લેતા નજરે પડ્યા હતા. તહેવાર શાંતિપૂર્ણ અને કોમી એકતાના વાતાવરણમાં ઉજવાય તે માટે લીલીયા પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.ડી. સાળુંકે દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.









































