રોજગારી અર્થે અમરેલીથી સુરત સ્થાયી થયેલા મુસાફરોની સગવડતા માટે બગસરા-વડિયા-સુરત બસનો રાત્રિ સ્ટોપ બદલીને ‘માનસરોવર હોટેલ’ કરાયો છે. બગસરા-વડિયા-સુરત બસ અગાઉ જે હોટેલ પર રોકાતી હતી, ત્યાં મુસાફરો પાસેથી વસ્તુઓના એમઆરપી (સ્ઇઁ) કરતાં વધુ ભાવ વસૂલીને ખુલ્લેઆમ લૂંટ ચલાવવામાં આવતી હતી. વળી, આ સ્ટોપ રાત્રે ૧૧ વાગ્યાની આસપાસ થતો હોવાથી પેસેન્જરો ભારે હાલાકી ભોગવતા હતા.આ બાબતે વડિયાના પીઢ પત્રકાર ભીખુભાઇ વોરાએ રૂબરૂ તપાસ કરી પ્રિન્ટ મીડિયા તથા સોશ્યલ મીડિયામાં વીડિયો વાઇરલ કર્યો અને એસટી વિભાગને લેખિત ફરિયાદ કરી હતી. મીડિયાના દબાણ બાદ તંત્રે એક્શન લઈ બસનો સ્ટોપ બદલીને ‘માનસરોવર હોટેલ’ કર્યો છે અને સમય પણ રાત્રે ૯ વાગ્યાનો કર્યો છે. આ ફેરફારથી મુસાફરોને યોગ્ય સમયે ભોજન મળશે અને આર્થિક લૂંટમાંથી મુક્તિ મળતા આનંદની લાગણી છે.