અમરેલીના મોટા આંકડીયા ગામે સરકારી તળાવમાંથી કાયદેસરની મંજૂરી સાથે માટી ભરવાનું કામ કરી રહેલા શ્રમિકો અને ફરિયાદી પર ગામના જ કેટલાક શખ્સોએ એકસંપ કરી ઘાતક હુમલો કર્યો હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી હતી. હુમલાખોરોએ વાહનની ચાવીઓ આંચકી લઈ બે દિવસ સુધી ગોંધી રાખી, રૂપિયા પચાસ હજારની ખંડણી માંગી હતી. આટલેથી ન અટકતા, લાકડી-ધોકા અને મુઠ જેવા હથિયારો સાથે ટોળું એકઠું કરી ફરિયાદી તથા સાક્ષીઓ પર જીવલેણ હુમલો કરી લૂંટ ચલાવતા પંથકમાં ચકચાર મચી ગઈ હતી. બનાવ અંગે ભરતભાઇ જયસુખભાઇ બાવીશી (ઉ.વ. ૩૭) એ નરેશભાઇ વાળા રહે. ચિતલ, કનુભાઇ પરમાર, વીકીભાઇ ચાવડા, વકીલ નવચેતનભાઇ પરમાર સહિત ૩૦ લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાવી હતી.મળતી વિગત મુજબ, મોટા આંકડીયા ગામે આવેલા તળાવમાંથી ભરતભાઇ જયસુખભાઇ બાવીશી સરકારની કાયદેસરની મંજૂરી મેળવીને માટી ભરવાનું કામ કરી રહ્યા હતા, જે બાબત સ્થાનિક આરોપીઓને ગમતી નહોતી. આ અદાવત રાખીને આરોપીઓએ એકસંપ કર્યો હતો અને માટી વહન કરતા વાહનોને અટકાવી તેની ચાવીઓ આંચકી લીધી હતી. આરોપીઓએ આ વાહનોને બે દિવસ સુધી પોતાની પાસે રાખી મૂક્યા હતા અને વાહનો પાછા સોંપવાના બદલામાં રૂપિયા પચાસ હજારની ગેરકાયદેસર માંગણી કરી હતી. જ્યારે તેમણે અને સાક્ષીઓએ આ બાબતનો વિરોધ કર્યો, ત્યારે આરોપીઓએ બેફામ ગાળો ભાંડવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ આરોપીઓએ હાથમાં પહેરવાના લોખંડના મુઠ તથા લાકડાના ધોકા જેવા ઘાતક હથિયારો સાથે એક મોટું ટોળું ભેગું કરી તેમને ઘેરી લીધા હતા.
ઉશ્કેરાયેલા ટોળાએ આડેધડ ધોકાવાળી કરી શરીરે ગંભીર ઈજાઓ તેમજ ફ્રેક્ચર જેવી ઈજાઓ પહોંચાડી હતી. હુમલાની ધમાલ વચ્ચે આરોપીઓએ તેમના શર્ટના ખિસ્સામાંથી રોકડા રૂ. ૪,૦૦૦ ની લૂંટ ચલાવી હતી. આ હિંસક ઘટનામાં તેમને બચાવવા વચ્ચે પડેલા સાક્ષીઓ પર પણ આરોપીઓએ છૂટા પથ્થરો ફેંક્યા હતા. પથ્થરમારાના કારણે સાક્ષીઓને માથાના ભાગે લોહીલુહાણ ઈજાઓ પહોંચી હતી. હુમલો કર્યા બાદ પણ આરોપીઓએ જતા-જતા તેમને તથા સાક્ષીઓને ભવિષ્યમાં જાનથી મારી નાખવાની ગંભીર ધમકી આપી હતી.