સાવરકુંડલાના કુંડલા વિભાગના સ્મશાનગૃહની હાલત અત્યંત દયનીય બની છે. લાખોની સરકારી ગ્રાન્ટ છતાં મુખ્ય અગ્નિદાહ ભટ્ટી તૂટેલી છે અને ચારેબાજુ ગંદકી તેમજ કાંટાળા બાવળોનું સામ્રાજ્ય છે. સ્થાનિક કોર્પોરેટરો ધર્મેન્દ્ર મહેતા અને અશોકભાઈ ખુમાણે રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે નવા બાકડાના ટેન્ડરો બહાર પડે છે પણ સ્મશાનના તૂટેલા બાકડા બદલાતા નથી. સ્નાનઘાટ ખંડેર છે અને રાત્રે અંધારપટ છવાય છે. મંજૂર થયેલા લાકડાના હોલનું કામ એક વર્ષથી બંધ હોવાથી ચોમાસામાં લાકડા પલળવાની ભીતિ છે. જો નગરપાલિકા તાત્કાલિક સમારકામ નહીં કરે તો ઉગ્ર ઉપવાસ આંદોલન કરવામાં આવશે.