શહેરના ભેસ્તાન વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં સોશિયલ મીડિયા પર શરૂ થયેલો પ્રેમસંબંધ અંતે યુવતીના આપઘાત સુધી પહોંચ્યો હોવાનું બહાર આવ્યું છે. પ્રેમીએ સતત માનસિક ત્રાસ, દબાણ અને સમાજમાં બદનામ કરવાની ધમકીઓ આપતા પરેશાન બનેલી કોલેજિયન યુવતીએ પોતાના ઘરમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ મામલે ભેસ્તાન પોલીસે મૃતક યુવતીના પિતાની ફરિયાદના આધારે આરોપી પ્રેમી સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આરોપી દિલીપ ભનુભાઈ બાબરીયા (૨૮ વર્ષ) મૂળ જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના પીખોર ગામનો રહેવાસી છે, તે હાલમાં ઉત્તર ગુજરાતના બહુચરાજી વિસ્તારમાં આવેલા કાર શોરૂમમાં નોકરી કરતો હતો. ૭ વર્ષ અગાઉ તેની ઓળખ ભેસ્તાન વિસ્તારમાં રહેતી એક કોલેજિયન યુવતી સાથે ઇન્સ્ટાગ્રામ મારફતે થઈ હતી.
સોશિયલ મીડિયા પર શરૂ થયેલી વાતચીત ધીમે ધીમે પ્રેમસંબંધમાં ફેરવાઈ હતી. શરૂઆતમાં બંને વચ્ચે સારા સંબંધો રહ્યા હતા અને તેઓ એકબીજાને મળતા પણ હતા, પરંતુ સમય જતાં દિલીપનો સ્વભાવ બદલાતો ગયો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
આરોપી દિલીપ માત્ર વાંધો વ્યક્ત કરીને અટક્યો નહોતો, પરંતુ યુવતી પર સતત દબાણ કરતો અને તેને માનસિક રીતે હેરાન કરતો હોવાનું પણ જાણવા મળ્યું છે. આરોપી દ્વારા યુવતીને એવી ધમકી આપવામાં આવતી હતી કે જા તે તેની વાત નહીં માને તો બંને વચ્ચેના પ્રેમસંબંધ અંગે પરિવારને જાણ કરી દેશે અને સમાજમાં તેની છબી ખરાબ કરશે. આ સતત ધમકીઓ અને માનસિક દબાણના કારણે યુવતી ભારે તણાવમાં રહેવા લાગી હતી.
પરિવારજનોને પણ તેની માનસિક સ્થીતિમાં બદલાવ જાવા મળતો હતો. અંતે ૨૦ મેની સવારે યુવતીએ પોતાના ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી જીવન ટૂંકાવી દીધું હતું. ઘટનાની જાણ થતાં પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. યુવતીના આપઘાત બાદ પરિવારજનોએ સમગ્ર ઘટનાની માહિતી પોલીસને આપી હતી. મૃતક યુવતીના પિતાએ ભેસ્તાન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, દિલીપ બાબરીયાના સતત માનસિક ત્રાસ, દબાણ અને ધમકીઓના કારણે તેમની પુત્રીએ આ અંતિમ પગલું ભર્યું.
ફરિયાદના આધારે પોલીસે સમગ્ર મામલાની તપાસ હાથ ધરી હતી. મોબાઇલ ચેટ, સોશિયલ મીડિયા સંપર્ક અને અન્ય ટેક્નીકલ પુરાવાના આધારે પ્રાથમિક તપાસ બાદ દિલીપ બાબરીયા સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવા સંબંધિત ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી તેને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી.
સુરત એસીપી સુનિલ તરડેએ જણાવ્યું હતું કે, યુવતીના પિતાને જાણવા મળ્યું હતું કે ઇન્સ્ટાગ્રામ પર દિલીપ ભનુભાઈ બાબરીયા નામના યુવકનો ૭ વર્ષથી તેમની દીકરી સાથે પ્રેમસંબંધ હતો. આરોપી તેમની દીકરીને સતત કોઈ સાથે બોલે છે, મિત્રતા છે જેવા શક કરી ટોર્ચર કરતો હતો તેવું વોટ્‌સએપ ચેટના આધારે જાણવા મળ્યું હતું.