અમરેલી જિલ્લામાં વ્યાજખોરોના વિષચક્ર અને બાનાખતના દુરુપયોગથી કિંમતી જમીન ગુમાવવાનો વારો આવતા એક મજબૂર ભોગ બનનારે ગંભીર પગલું ભરી લીધું હતું. જમીન હાથમાંથી ચાલી જતાં આઘાત લાગવાના કારણે ભોગ બનનારે જાતે ફિનાઈલ પી લેતા ચકચાર મચી ગઈ છે. આ મામલે કેતન બંધીયા અને ગૌતમ બંધીયા નામના બે શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.ભોગ બનનાર વ્યક્તિએ વર્ષ ૨૦૨૧માં આરોપી કેતનભાઈ બંધીયા અને ગૌતમભાઈ બંધીયા પાસે પોતાની જમીન ગીરવે મૂકી હતી. આ સમયે કેતનભાઈ બંધીયાના નામે એક બાનાખત કરાવીને ૫ ટકાના ઊંચા વ્યાજે રૂ. ૩૦ લાખ (૩૦,૦૦,૦૦૦) લીધા હતા. ત્યારબાદ વર્ષ ૨૦૨૨માં જરૂરિયાત ઊભી થતાં ભોગ બનનારે ફરીથી આ જ શખ્સો પાસેથી ૫ ટકા વ્યાજે બીજા રૂ. ૫૦ લાખ (૫૦,૦૦,૦૦૦) લીધા હતા. આરોપી કેતન બંધીયાએ પૈસાની સામે સુરક્ષા તરીકે રાખેલા બાનાખતનો કથિત રીતે દુરુપયોગ કર્યો હતો. તેણે આ મામલે કોર્ટમાં કેસ દાખલ કરી દીધો હતો. કાયદાકીય ગૂંચવણોના કારણે કોર્ટનો ચુકાદો પણ કેતન બંધીયાની તરફેણમાં આવ્યો હતો. કોર્ટમાંથી પોતાની તરફેણમાં ચુકાદો આવતા જ કેતન બંધીયાએ આ ગીરવે રાખેલી જમીન અન્ય બે વ્યક્તિઓને વેચી દીધી હતી. આ બાબતનું મનમાં સતત દુઃખ રહેતા, તેણે અંતે કંટાળીને પોતાના ઘરે ફિનાઈલ પી લીધું હતું. ઘટનાના પગલે ચકચાર મચી ગઈ હતી. અમરેલી સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.