કોક્રોચ પાર્ટી ભારતમાં ક્રાંતિ લાવી દેશે ?
અભિજીત દીપકે નામના યુવકે અમેરિકામાં બેઠાં બેઠાં સોશિયલ મીડિયા પર બનાવી નાંખેલી કોક્રોચ જનતા પાર્ટી (સીજેપી)એ દેશભરમાં ભારે ચર્ચા જગાવી દીધી છે. ભારતમાં પોતાને રાજકીય સંગઠન ગણાવતી કોક્રોચ જનતા પાર્ટી (સીજેપી)માં દેશની જેન-ઝી એટલે કે યુવા વર્ગને ભારે રસ પડી ગયો છે તેથી યુવાઓનું પ્લેટફોર્મ મનાતા ઈન્સ્ટાગ્રામ પર કોક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ના ફોલોઅર્સની ભરતી આવી ગઈ છે.
ગણતરીના દિવસોમાં જ ઈન્સ્ટાગ્રામ પર સીજેપીના ફોલોઅર્સનો આંકડો ૨ કરોડને વટાવી ગયો છે. ઈન્સ્ટાગ્રામ પર વરસોથી સક્રિય ભાજપના ૯૦ લાખ અને કોંગ્રેસના ૧.૩૪ કરોડ ફોલોઅર્સ છે જ્યારે નવીસવી આવી સીજેપીના ફોલોઅર્સની સંખ્યા ૨ કરોડને પાર થઈ ગયા તેના કારણે કેન્દ્ર સરકાર પણ ચોંકી ગઈ છે.
કેન્દ્ર સરકારે સીજેપીને રાષ્ટ્રની સુરક્ષા માટે ખતરારૂપ ગણાવીને તેના એક્સ એકાઉન્ટને બ્લોક કરાવી દીધું છે. કેન્દ્ર સરકારનું કહેવું છે કે, સીજેપીના એકાઉન્ટમાંથી દેશની સુરક્ષા માટે ખતરારૂપ સામગ્રી પિરસાય એવો ખતરો હોવાનો ઈન્ટેલિજન્સ બ્યુરો (આઈબી)નો રિપોર્ટ હોવાથી એકાઉન્ટ બ્લોક કરી દેવાયું છે.
સીજેપીએ એક એકાઉન્ટ બ્લોક કરાયું તો એક્સ પર ‘કોકરોચ ઇઝ બેક’ નામે નવું એકાઉન્ટ બનાવી દીધું. જૂના એકાઉન્ટના બે લાખ જેટલા ફોલોઅર્સ હતા જ્યારે નવું એકાઉન્ટ શરૂ થયું પછી બે દિવસમાં તો ફોલોઅર્સની સંખ્યા બે લાખ પર પહોંચી ગઈ. તેના પરથી સ્પષ્ટ છે કે, સીજેપી લોકોમાં રસ જગાવી રહી છે.
સીજેપીને મળી રહેલા પ્રતિસાદનું કેટલાંત વિશ્લેષકો એવું અર્થઘટન કરી રહ્યા છે કે, ભારતીય યુવાઓમાં અત્યારે ભયંકર હતાશા અને આક્રોશ છે. સીજેપીએ તેને વાચા આપવા માંડી તેથી યુવાઓ તેની તરફ આકર્ષાયા છે. આ આકર્ષણ વધતું જશે તો ભારતમાં લોકો રસ્તા પર ઉતરી આવશે ને ક્રાંતિ લાવી દેશે. તેના સમર્થનમાં આરબ સ્પ્રિંગ અને થોડા સમય પહેલાં નેપાળમાં થયેલી લોકચળવળનાં ઉદાહરણ અપાય છે.
આ વાત સાચી છે ?

ભારતમાં કદાચ ક્રાંતિ શક્ય નથી.
પહેલી વાત એ કે, કોક્રોચ પાર્ટીને મળી રહેલો પ્રતિસાદ સોશિયલ મીડિયા પર છે અને સોશિયલ મીડિયા પર કઈ રીતે તોફાન ઉભું કરાય છે કે દેકારો મચાવાય છે એ બધાં જાણે છે. સોશિય મીડિયા પર કોઈ ભલી વાર ના હોય એવા મુદ્દે પણ કરાતી ટિ્‌વટ્‌સ પણ ટ્રેન્ડ કરે છે ને કરોડોમાં રી-ટિ્‌વટ થઈ જાય છે પણ એ બધો ઉભરો થોડીક વારમાં શમી જાય છે.
અઠવાડિયા પછી પણ લોકોને એ મુદ્દો યાદ રહેતો નથી. કોક્રોચ પાર્ટી અઠવાડિયા કરતાં વધારે સમયથી ધૂમ મચાવી રહી છે એ સાચું તેના કારણે ક્રાંતિ ના આવે. કોક્રોચ પાર્ટીના કહેવાતા સમર્થકો રસ્તા પર ઉતરે ને એક વ્યવસ્થિત આંદોલન જગાવે તો હજુ કોઈ નવાજૂની થશે એવું માની શકાય. બાકી સોશિયલ મીડિયા પર દેકારો કરવાથી ક્રાંતિ ના આવે.
બીજું એ કે, કોક્રોચ પાર્ટીના સમર્થકોની સંખ્યા આખા દેશને હચમચાવી દે એટલી મોટી નથી. ભારતની ૧૫૦ કરોડની વસતીમાંથી ૨ કરોડ લોકો કોક્રોચ પાર્ટીને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે એ બધા તેના ચુસ્ત સમર્થક હોય એમ માનીએ તો પણ દેશની વસતીમાં આ પ્રમાણ ૨ ટકાથી પણ ઓછું છે. આ ૨ કરોડ લોકો દેશભરમાં રસ્તા પર ઉતરે તો ચોક્કસ પ્રચંડ આંદોલન ઉભું થાય પણ સોશિયલ મીડિયાના બહાદુરો અસલી જંગથી ભાગતા હોય છે તેથી એવી શક્યતા નથી. લોકો બીજાંની દેખાદેખી જોડાઈ જતાં હોય છે તેથી આ સંખ્યા વધતી જાય તો મુશ્કેલી ઉભી થાય પણ ખાલી સોશિયલ મીડિયા પર દેશની વસતીનાં દોઢ ટકા લોકો હોહા કરે તેના કારણે ક્રાંતિ ના થાય.
ત્રીજું એ કે, ભારત બહુ મોટો દેશ છે અને દેશના અલગ અલગ ભાગોમાં લોકોને અલગ અલગ મુદ્દા મહત્વના લાગતા હોય છે. કોક્રોચ પાર્ટીના મુદ્દા શહેરી વિસ્તારોનાં લોકોને આકર્ષક લાગતા હશે પણ અર્ધશહેરી કે ગ્રામીણ વિસ્તારોમાં એટલા મહત્વના ના પણ લાગે એ જોતાં તેને દેશવ્યાપી સમર્થન મળે એવી આશા પણ ના રખાય.
ભારત જેવા દેશમાં ક્રાંતિ માટે બહુ મહેનત કરવી પડે ને કોક્રોચ પાર્ટી જેવું અભિયાન હજુ પ્રારંભિક તબક્કામાં છે એ જોતાં ક્રાંતિની આગાહીઓ બહુ વધારે પડતી પણ છે ને અત્યંત વહેલી પણ છે.

સીજેપી પાકિસ્તાન પ્રેરિત છે ?
ભાજપનો આક્ષેપ છે કે, આ રસ ભારતીયોને નહીં પણ પાકિસ્તાનીઓ સહિતના વિદેશીઓને છે કેમ કે, સીજેપીના લગભગ ૫૦ ટકા ફોલોઅર્સ પાકિસ્તાની છે. ભાજપની યુવા પાંખ ભારતીય જનતા યુવા મોરચાના સેક્રેટરી તજિન્દર બગ્ગાએ સીજેપીના ફોલોઅર્સનો પાઇ ચાર્ટ ધરાવતો ગ્રાફિક પોસ્ટ કર્યો છે.
આ ગ્રાફિકમાં દાવો કરવામાં આવ્યો છે કે, સીજેપીના ફોલોઅર્સમાં ૪૯% પાકિસ્તાનના, ૧૪% યુનાઇટેડ સ્ટેટ્‌સના, ૧૪% બાંગ્લાદેશના અને ફક્ત ૯% જ ભારતના છે. બાકીના યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા, સાઉદી અરેબિયા અને યુએઈના છે એ જોતાં ૯૦ ટકાથી વધારે તો વિદેશીઓ છે. ભાજપ તરફી ઘણા ઈન્ફ્‌લુઅન્સર્સ તથા મીડિયાનાં લોકોએ પણ આ પોસ્ટ કરી છે.
અભિજીતે આ પોસ્ટને જૂઠી અને હાસ્યાસ્પદ ગણાવી છે. અભિજીતનો દાવો છે કે, સીજેપીના ઈન્સ્ટાગ્રામ પેજના વ્યૂઅર્સમાં ભારતનો હિસ્સો ૯૪.૭% છે. ભારત પછી યુનાઇટેડ સ્ટેટ્‌સ ૧%, યુનાઇટેડ કિંગડમ ૦.૭% અને કેનેડા અને સંયુક્ત આરબ અમીરાત ૦.૬% છે. પાકિસ્તાન કે બાંગ્લાદેશ તો ક્યાંય છે જ નહીં. અભિજીતનો તો એવો પણ દાવો છે કે, સીજેપીનું એકાઉન્ટ હેક કરવાના પ્રયત્નો થયા પણ તેમાં સફળ ના થતાં તેને પાકિસ્તાની સાબિત કરવાના ઉધામા શરૂ કરાયા છે.
આ બંનેમાંથી કોનો દાવો સાચો છે એ ખબર નથી પણ આ અભિયાન પાકિસ્તાન પ્રેરિત હોય તો આ બાબત ગંભીર કહેવાય. તેની પૂરતી તપાસ થવી જોઈએ ને લોકો સામે સત્ય મૂકાવું જોઈએ કેમ કે ભારતની રાજકીય બાબતોમાં બીજા દેશની દખલ ના ચલાવી લેવાય. બીજી તરફ ભાજપ યુવા મોરચાના નેતાઓએ કરેલો દાવો ખોટો હોય તો લોકોને જૂઠા દાવા કરીને ગેરમાર્ગે દોરવા બદલ તેમની સામે પણ કેસ થવો જોઈએ.

ભારતમાં હવે ક્રાંતિ કે પરિવર્તન આવી શકે ?
મોટા ભાગે ના આવી શકે કેમ કે ભારતમાં લોકો લડવાની તાકાત ગુમાવી બેઠાં છે. ભારતમાં વરસો જૂની સમસ્યાઓનો અંત નથી ને બીજી તરફ નવી નવી સમસ્યાઓ વધતી જાય છે પણ લોકોમાં લડવાની તાકાત જ નથી રહી એવું લાગે છે. તેના કારણે મોંઘવારીનો માર લોકો મૂંગા મોંઢે સહન કરી લે છે, અધિકારીઓ નેતાના બેફામ ભ્રષ્ટાચાર સામે પણ લોકો કંઈ બોલતા નથી, અનામતના કારણે પીડિત ને કચડાયેલા વર્ગનું ભલું નથી થઈ રહ્યું ને એક ચોક્કસ વર્ગ તેનો લાભ લઈને વધારે વધારે માલદાર ને તાકાતવર બની રહ્યો છે પણ તેની સામે અવાજ ઉઠાવવાની કોઈની હિંમત નથી.
કોર્પોરેટ સેક્ટરની દાદાગીરી અને શોષણ સામે પણ લોકો સાવ ચૂપ રહે છે ને કંપનીઓની લૂંટને મૂંગા મૂંગા સહન કર્યા કરે છે. ન્યાયતંત્રમાં કેસોનો ભરાવો થઈ રહ્યો છે અને ન્યાય મળતો જ નથી છતાં લોકો સહન કર્યા કરે છે, પરીક્ષાનાં પેપરો ફૂટી જાય છે ને યુવાઓના ભાવિ સાથે ભયંકર રમત રમાય છે પણ લોકોમાં આ કોઈ પણ મુદ્દા સામે બોલવાની હિંમત જ ના હોય એવો માહોલ છે. એક રીતે આ માનસિક કાયરતા છે પણ આ માનસિક કાયરતા આપણો સ્વભાવ બની ગયો છે તેથી ભારતમાં તોઈ પણ પ્રકારના અન્યાય કે અત્યાચાર સામે નથી આંદોલન થતાં, નથી લોકો આક્રોશ ઠાલવતાં કે નથી લોકોનો જનાક્રોશ વિસ્ફોટ બનીને ફૂટી નિકળતો. .
આ માનસિક કાયરતા માટે જૂની પેઢી જવાબદાર છે. ભારતમાં સૌથી વધારે સહન મધ્યમ વર્ગ કરે છે અને મધ્યમ વર્ગે લડવાના બદલે પલાયનવાદનો સરળ રસ્તો અપનાવી લીધો છે. ભારતમાં સમસ્યાઓ સામે લડવાના બદલે પોતાનાં સંતાનોને ગમે તે રીતે ત્યાં સેટલ થઈ જવાની માનસિક તૈયારી સાથે વિદેશ મોકલી દેવાં.
સંતાનો ભારતમાં હોય તો તેમની તકલીફો દેખાય ને જીવ બળે. તેના કરતાંલે દેખવુંય નહીં ને દાઝવુંય નહીં. આ માનસિકતાના કારણે આ દેશમાં ક્રાંતિની વાત છોડો પણ દેશમાં પેઠેલા સડાને રોકવા માટે લડે એવો વર્ગ પણ રહ્યો નથી. જે લોકો લડવાનો દેખાવ કરે છે તેમના પોતાના સ્વાર્થ છે તેથી ભારતમાં પરિવર્તન કે ક્રાંતિની આશા રાખવી વ્યર્થ છે.
sanjogpurti@gmail.com