અમરેલી જિલ્લામાં ચોમાસાની સિઝન નજીક આવતા જ ખેડૂતોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. ખેતીકામ માટે અત્યંત જરૂરી એવા ડીઝલ અને રાસાયણિક ખાતરોની તીવ્ર અછતને પગલે આજે ‘ભારતીય કિસાન સંઘ’ અમરેલી જિલ્લા શાખાના પ્રમુખ સામતભાઈ એસ. જેબલિયાની આગેવાનીમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને તાત્કાલિક ઉકેલ લાવવા માંગ કરવામાં આવી છે.આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે સરકારી પરિપત્ર મુજબ ખેડૂતોને ૨૦૦ લીટર ડીઝલ આપવાની જોગવાઈ હોવા છતાં, વાસ્તવિકતામાં પેટ્રોલ પંપો પર ખેડૂતોને ૨૦ લીટર ડીઝલ પણ મળતું નથી. આ ગંભીર પરિસ્થિતિને કારણે ખેડૂતોને દર પાંચ દિવસે પૂરતા પ્રમાણમાં ડીઝલ મળી રહે તેવી નક્કર વ્યવસ્થા ગોઠવવા માંગ કરાઈ છે. આ ઉપરાંત, જિલ્લામાં ડી.એ.પી. અને યુરિયા જેવા રાસાયણિક ખાતરોની ભારે અછત પ્રવર્તી રહી છે અને તેમાં થયેલો અસહ્ય ભાવવધારો તાત્કાલિક પાછો ખેંચવા વિનંતી કરાઈ છે.આ આવેદનપત્રમાં તંત્ર સામે એક મોટો આક્ષેપ પણ કરાયો છે કે હાલ બજારમાં કોઈપણ જાતના બિલ વગરના નકલી બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે, જેનાથી ખેડૂતો છેતરાઈ રહ્યા છે. કિસાન સંઘે વહીવટી તંત્રને આ બાબતે કડક તપાસ હાથ ધરીને કાયદાકીય અમલવારી કરવા તેમજ ખેડૂતોને ન્યાય અપાવવા ઉગ્ર અપીલ કરી છે.










































