કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને અમદાવાદમાં એક મહત્વપૂર્ણ ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં એસજી હાઈવેના આધુનિકરણ, ટ્રાફિક સમસ્યા અને શહેરની કાયદો-વ્યવસ્થા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જીય્ હાઈવે પર વધતા ટ્રાફિક દબાણ અને પીક અવર્સ દરમિયાન સર્જાતા ટ્રાફિક જામ મુદ્દે ગહન સમીક્ષા કરવામાં આવી હતી.ગૃહમંત્રીએ અધિકારીઓને ટ્રાફિક સ્મુથનિંગ માટે અસરકારક આયોજન કરવા સૂચના આપી હતી.
હાઈવે પર ચાલી રહેલા બ્રિજ અને રોડ પ્રોજેક્ટ્સની કામગીરી અંગે પણ બેઠકમાં ચર્ચા થઈ હતી.અમિત શાહે એનએચએઆઇ અધિકારીઓને ડાઈવર્ઝન અને સુરક્ષા વ્યવસ્થા અંગે ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતું જેથી વાહનચાલકોને મુશ્કેલી ન પડે.મુખ્ય જંકશનો પર ટ્રાફિક જામની સ્થિતિ ન સર્જાય તે માટે અગાઉથી આયોજન કરવાની પણ સૂચના આપવામાં આવી હતી.આગામી સમયમાં એસજી હાઈવે પર ટ્રાફિક મેનેજમેન્ટમાં ફેરફાર જાવા મળી શકે છે.
બેઠક દરમિયાન અમદાવાદ શહેર પોલીસ કમિશનરે શહેરના ક્રાઈમ રેટ અને પોલીસ દ્વારા લેવાયેલા પગલાં અંગે વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.ગૃહમંત્રીએ શહેરમાં ગુનાખોરી પર વધુ કાબૂ મેળવવા અને પોલીસનો ખોફ જાળવવા ભાર મૂક્યો હતો.આ મેગા સમીક્ષા બેઠક બાદ અમદાવાદના ટ્રાફિક સંચાલન અને સુરક્ષા વ્યવસ્થામાં મહત્વપૂર્ણ સુધારા જાવા મળશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.










































