જાફરાબાદ પંથકમાં સિંહોનો વસવાટ વધતા હવે વન્યજીવો માનવ વસ્તી તરફ વળી રહ્યા છે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં કડીયાળી ગામમાં રાત્રિના સમયે સિંહ ઘૂસી આવતા અફરાતફરી મચી ગઈ હતી. રાત્રે ખોરાકની શોધમાં આવેલા સિંહે ગામની મુખ્ય બજારમાં જ બે પશુઓનું મારણ કર્યું હતું. આ દ્રશ્યો જોઈ શેરીમાં રહેલા અન્ય પ્રાણીઓ જીવ બચાવવા ભાગ્યા હતા. ગામમાંથી પસાર થતા એક રાહદારીનો સામનો અચાનક સિંહ સાથે થયો હતો. સિંહને એકદમ નજીક જોઈ યુવકે જીવ બચાવવા દોટ મૂકી હતી અને સિંહ પણ તેની પાછળ દોડ્યો હતો. સદનસીબે યુવકનો બચાવ થયો છે, પરંતુ વાયરલ થયેલા લાઈવ સીસીટીવી ફૂટેજે લોકોની ઉંઘ હરામ કરી દીધી છે. હાલમાં ગ્રામજનો વનવિભાગ પાસે પાંજરું મૂકી સિંહને પકડવા માંગ કરી રહ્યા છે.









































