બાબરા તાલુકાના ખેડૂતો માટે ખુશીના સમાચાર છે. રામપરી નાની સિંચાઇ યોજનાના પુનઃસ્થાપન (રીસ્ટોરેશન) કાર્યનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જનકભાઈ તળાવીયા દ્વારા વિધિવત રીતે કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ માટે રૂ. ૫૪.૩૭ લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે.આ યોજનાનો મુખ્ય હેતુ પાણીની સંગ્રહ ક્ષમતામાં વધારો કરી ખેડૂતોને સિંચાઇ માટે ઉત્તમ સુવિધા પૂરી પાડવાનો છે. ધારાસભ્યએ જણાવ્યું હતું કે, ખેડૂતોનું હિત સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આ યોજના પૂર્ણ થવાથી આજુબાજુના વિસ્તારમાં સિંચાઇ માટે પૂરતું પાણી મળશે, જેનાથી કૃષિ ઉત્પાદન વધશે અને ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત બનશે. આ ઉપરાંત, જળ સંચયથી ભૂગર્ભ જળસ્તર સુધારવામાં પણ મોટી મદદ મળશે.