એક તરફ ગુજરાત સરકાર એશિયાટિક લાયન્સ (એશિયાઈ સિંહો)ના સંવર્ધન અને જતન માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવી રહી છે, ત્યારે બીજી તરફ અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ દરિયાઈ પટ્ટી વિસ્તારમાં સિંહોના અસ્તિત્વ સામે જોખમ ઊભું થયું છે.વર્ષોથી સિંહોના કાયમી નિવાસસ્થાન ગણાતી ૭૫ હેક્ટર રિઝર્વ ફોરેસ્ટની જમીન એક ખાનગી કંપનીને માઇનિંગ (ખનન) માટે સોંપી દેવાની વન વિભાગની આંતરિક હિલચાલને પગલે પર્યાવરણપ્રેમીઓ અને સ્થાનિક જનતામાં ઉગ્ર વિરોધ ફાટી નીકળ્યો છે
માઇનિંગ માટે જમીન કંપનીને સોંપવાની કામગીરી થઈ રહી છે: સરપંચ પ્રતિનિધિ
બાબરકોટ સરપંચ પ્રતિનિધિ અનક સાંખટએ જણાવ્યું હતું કે, બાબરકોટ ગામમાં ખાનગી કંપની નજીક સિંહો માટે રિઝર્વ જમીન ૭૦ હેક્ટર આવેલી છે. આ જમીન માઇનિંગ માટે કંપનીને સોંપવા માટે કાગળ ઉપર કામગીરી થઈ રહી છે તેવી માહિતી ગ્રામજનોને મળી છે. અત્યારસુધીમાં વનવિભાગના તમામ અધિકારીઓને નેગેટીવ રિપોર્ટ આપવામાં આવ્યા હતા પરંતુ, અમને જાણવા મળ્યું છે કે, ધારી વનવિભાગના અધિકારીઓએ પોઝીટિવ અભિપ્રાય આપ્યો છે.
શું છે સમગ્ર વિવાદ?
જાફરાબાદના બાબરકોટ પાસે આવેલા ધારી ગીર પૂર્વ ડિવિઝન હેઠળના અનામત જંગલની કિંમતી જમીન પર એક ખાનગી કંપની છેલ્લા ૧૨ વર્ષથી ડોળો માંડીને બેઠી છે. અગાઉ ૨૦૧૬થી અત્યારસુધીના અનેક વન અધિકારીઓએ સિંહોની સુરક્ષાને ધ્યાને રાખી આ માઇનિંગ પ્રોજેક્ટને નકારી કાઢ્યો હતો.જોકે, હાલમાં વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ પ્રોજેક્ટ માટે ‘હકારાત્મક અભિપ્રાય’ આપી દેવામાં આવ્યો હોવાની ચર્ચા થઈ રહી છે.
‘અમારા વિસ્તારમાં સિંહ ન હોવાનો અભિપ્રાય ખોટો’: સ્થાનિક
અમારા વિસ્તારમાં સિંહો ખુબજ મોટી સંખ્યામાં રહે છે. આ જમીન કંપનીને સોંપવાથી ગામડામાં ઘર્ષણો પણ વધશે.અમારી મુખ્યમંત્રીને વિનંતી છે કે, આ જમીન કંપનીને સોંપવામા ન આવે.અમારા વિસ્તારમાં સિંહ ન હોવાનો ખોટો અભિપ્રાય જે અધિકારીએ કંપની સાથે મળી આપ્યો છે,તે ખોટો છે. તેની સામે કાર્યવાહી કરવા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી છે.
સરકારની બેવડી નીતિ સામે સવાલો
એક તરફ ‘જીછફઈ ન્ૈંર્ંદ્ગ’ના નારે પ્રચાર અને બીજી તરફ સિંહોના ઘરમાં જ માઇનિંગની તૈયારી – સરકારની આ બેવડી નીતિ સામે સવાલો ઉઠી રહ્યા છે. જોકે, આ મુદ્દે રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડીયાએ સ્પષ્ટતા કરી છે કે, અમારા ધ્યાને આવો કોઈ પ્રસ્તાવ આવ્યો નથી. અમે કોઈપણ રિઝર્વ ફોરેસ્ટમાં માઇનિંગની મંજૂરી આપતા નથી .
આગામી સમય શું લાવશે?
મંત્રી અર્જુન મોઢવાડીયાના નકાર છતાં વન વિભાગના સૂત્રો અને સ્થાનિક હિલચાલ કંઈક અલગ જ સંકેત આપી રહ્યા છે. જો વન વિભાગ આ જમીન કંપનીને સોંપશે, તો ગુજરાતની શાન ગણાતા સિંહો માટે આ મોટો ફટકો સાબિત થશે. હાલ તો સિંહપ્રેમીઓએ ‘Save Lion, Save Reserve Froest’ ના અભિયાન સાથે સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે વિરોધ તેજ કર્યો છે.






































