ડાકોર રણછોડરાયજી મંદિર ખાતે ધ્વજારોહણ અને વિવિધ મનોરથોના દરોમાં કરાયેલા ભારે વધારાને લઈને ઉભા થયેલા વિવાદ બાદ મંદિર કમિટીએ મહત્વનો નિર્ણય લીધો છે. ભક્તો અને સેવકોમાં ઉઠેલા ભારે રોષને ધ્યાનમાં રાખીને કમિટીએ હાલ પૂરતા વધારેલા દરો મોકૂફ રાખવાની જાહેરાત કરી છે.
તાજેતરમાં મંદિર કમિટીએ શિખર પર ચઢાવવામાં આવતી ધ્વજાના દરમાં મોટો વધારો કર્યો હતો. અગાઉ ૬૦૦ રૂપિયામાં થતું ધ્વજારોહણ હવે ૨૫૦૦ રૂપિયા કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કેટલાક મનોરથોના દરોમાં પણ વધારો કરાતા ભક્તોમાં અસંતોષ ફેલાયો હતો.
દરવધારાના મુદ્દે સ્થાનિક સેવકો, વેપારીઓ અને ભક્તોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. ભક્તોની લાગણી અને આર્થિક ભારણને ધ્યાનમાં રાખીને મંદિર કમિટીએ તાત્કાલિક અસરથી ભાવવધારો મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે.
કમિટીના આ નિર્ણયથી ભક્તોમાં રાહતનો માહોલ જાવા મળી રહ્યો છે. ભક્તોએ આશા વ્યક્ત કરી છે કે આવનારા સમયમાં આવા મહત્વના નિર્ણયો લેતા પહેલા ભક્તોની ભાવનાઓ અને પરંપરાઓનું પણ ધ્યાન રાખવામાં આવશે.
શ્રી રણછોડરાયજી મંદિર ખાતે ભક્તો માટે વિવિધ ધાર્મિક મનોરથ અને સેવાઓ હવે અગાઉ કરતાં ઘણી મોંઘી બની ગઈ છે. મંદિર કમિટીએ તાજેતરમાં મનોરથના લાગામાં નોંધપાત્ર વધારો જાહેર કર્યો છે, જેના કારણે ભક્તોમાં ચર્ચા અને અસંતોષનું વાતાવરણ જાવા મળી રહ્યું છે.
મંદિર ખાતે શિખર પર ધજા ચડાવવાનો ખર્ચ, જે અગાઉ માત્ર ૬૧૦ હતો, હવે સીધો વધારીને ૨૫૦૦ કરવામાં આવ્યો છે. ઉપરાંત, ૫૨ ગજની વિશેષ ધજા ચડાવવા માટે હવે ભક્તોને ૧૧,૦૦૦ ચૂકવવા પડશે. તે જ રીતે બાધા-માનતા માટેના રાજભોગ મનોરથમાં પણ ભારે વધારો થયો છે. અગાઉ ૩૯૦૦માં થતો રાજભોગ હવે ૯૩૪૫માં થશે. કુંજ મનોરથ માટે ભક્તોને પહેલાં ૫૧૦૦ ચૂકવવાના રહેતા હતા, જ્યારે હવે આ રકમ ૧૧,૦૦૦ સુધી પહોંચી ગઈ છે.
તુલસી વિવાહ જેવા વિશેષ ધાર્મિક પ્રસંગ માટેનો ખર્ચ પણ દોગણાથી વધુ વધ્યો છે. અગાઉ ૨૫,૦૦૦માં થતો તુલસી વિવાહ હવે ૫૧,૦૦૦માં કરાવવામાં આવશે.
મંદિર કમિટીના આ નિર્ણયને લઈને ભક્તોમાં મિશ્ર પ્રતિસાદ જાવા મળી રહ્યો છે. કેટલાક લોકો મંદિરના સંચાલન અને વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને આ વધારો યોગ્ય ગણાવી રહ્યા છે, જ્યારે ઘણા ભક્તોનું કહેવું છે કે “ગરીબોના બેલી” કહેવાતા રણછોડરાયજીના દર્શન અને સેવાઓ હવે સામાન્ય ભક્તોની પહોંચ બહાર જઈ રહી છે.