અમરેલીના કુકાવાવ રોડ પર સ્થિત ભારતનગર વિસ્તારમાં તા.૦૯ના રોજ બપોરે ૧૪ઃ૫૦ કલાકે વેસ્ટ ચંપલના ભંગારના ઢગલાઓમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ બનાવની જાણ અમરેલી ફાયર કંટ્રોલ રૂમને કરવામાં આવતા ફાયર ઓફિસર એચ. સી. ગઢવીની આગેવાની હેઠળ તાત્કાલિક કાફલો ઘટનાસ્થળે રવાના થયો હતો. આગની ગંભીરતા અને જ્વાળાઓને જોતા તંત્ર દ્વારા તાબડતોબ વધારાના ત્રણ ફાયર ફાઈટર વાહનો બોલાવવામાં આવ્યા હતા. પ્લાસ્ટિક અને રબરના જથ્થાને કારણે આગ ઝડપથી પ્રસરી રહી હતી,ફાયર સ્ટાફ દ્વારા સતત ત્રણ કલાક સુધી ફોમનો મારો ચલાવીને આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં આવી હતી. આ કપરી કામગીરીમાં હિંમતભાઈ બાંભણિયા, પ્રવીણભાઈ ચૌહાણ, નિલેશભાઈ સાનિયા, રણજીતભાઈ સગર, કમલેશભાઈ જોશી, કૃષ્ણભાઈ ઓળકિયા, સવજીભાઈ ડાભી અને હર્ષભાઈ ચાવડા જેવા નિષ્ઠાવાન કર્મચારીઓએ ખડેપગે સેવા આપી હતી. સદનસીબે આ ભયાનક દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ નોંધાઈ નથી, જેનાથી સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો.







































