રાજુલા તાલુકાના ડુંગર ગામ સ્થિત શ્રી રામ દરબાર આશ્રમ ખાતે સીતારામ સેવા ગ્રુપ દ્વારા ૧૮ મે થી ૨૪ મે સુધી શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. કથાનું દૈનિક વાચન સવારે ૯ થી બપોરે ૧ વાગ્યા સુધી યોજાશે, જેમાં શાસ્ત્રી હર્ષદભાઈ પી. દ્વારા ભાગવત કથાનું રસપાન કરાવવામાં આવશે. આ ધાર્મિક મહોત્સવના મુખ્ય યજમાન તરીકે સ્વ. ભાવભાઈ સીદીભાઈ વાણીયા પરિવાર, ડુંગર સેવા આપી રહ્યો છે. ઉપરાંત અનેક દાતાઓ અને સેવાભાવી પરિવારોના સહયોગથી સમગ્ર આયોજનને ભવ્ય સ્વરૂપ આપવામાં આવ્યું છે. કથા દરમિયાન પોથીયાત્રા, કપિલ જન્મોત્સવ, નરસિંહ મહોત્સવ, વામન મહોત્સવ, શ્રીરામ જન્મોત્સવ, શ્રી કૃષ્ણ જન્મોત્સવ, ગોવર્ધન પૂજન, રુક્ષ્મણી વિવાહ, સુદામા ચરિત્ર સહિતના ધાર્મિક પ્રસંગો ઉજવાશે. ૨૪ મેના રોજ કથા વિરામ સાથે મહા પ્રસાદ અને પૂજનવિધિ પણ યોજાશે.











































