લીલીયા તાલુકા સ્થિત ગોઢાવદર ગામમાં તાજેતરમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અને શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પાવન પ્રસંગે સમગ્ર ગામમાં અત્યંત ભક્તિમય અને ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ શ્રધ્ધાપૂર્વક ભાગ લીધો હતો. આ મંગલમય અવસરે ગુજરાત રાજ્યના ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરીયાએ ખાસ હાજરી આપી ભગવાનના દર્શન અને પૂજા-અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મંત્રીએ જણાવ્યું હતું કે આવા ધાર્મિક આયોજનો સમાજમાં સંસ્કારોનું સિંચન કરે છે અને પરસ્પર ભાઈચારાની ભાવનાને મજબૂત બનાવે છે. સંતો-મહંતોના સાનિધ્યમાં યોજાયેલા આ મહોત્સવમાં ગ્રામજનો, સામાજિક અગ્રણીઓ અને ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્‌યા હતા. કથાના શ્રવણ અને ધાર્મિક વિધિઓના કારણે ગોઢાવદર ગામ આધ્યાત્મિક રંગે રંગાયું હતું અને આખું વાતાવરણ પવિત્ર બની ગયું હતું.