ખેડા જિલ્લામાં આવેલ ડાકોર મંદિરને પણ મોંઘવારી નડી છે. ડાકોર ટેમ્પલ કમિટીએ ભક્તો દ્વારા કરાવવામાં આવતા તમામ મનોરથના લાગામાં તોતિંગ રૂપિયાનો વધારો કરાયો છે. મંદિરના શિખર પર ધજા ચઢાવવાનો ખર્ચ ૬૧૦ રૂપિયાથી સીધા ૨૫૦૦ રૂપિયા કરી દેવાયા છે. ધજા ચઢાવવાના ખરચમાં સીધા ૧૮૯૦ રૂપિયાનો વધારો ઝીંકાયો છે. આ ઉપરાંત માનતાના રાજભોગ, કુંજ ભોગ તથા તુલસી વિવાહના રૂપિયામાં પણ ધરખમ વધારો કરાયો છે.
ડાકોર મંદિરમાં વિવિધ મનોરથ લઈને આવતા ભક્તોને હવે મોંઘવારીનો સામનો કરવો પડશે. ડાકોર મંદિરમાં દર વર્ષે લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે. જેમાં ભક્તો ડાકોર મંદિર પર ધજા ચઢાવતા હોય છે. તો પોતાની માનતા કે બાધા પૂરી થવા પર વિવિધ રાજભોગ, કુંજ ભોગ શ્રદ્ધાથી ચઢાવતા હોય છે. આવામાં ડાકોર ટેમ્પલ કમિટિ દ્વારા આ તમામ મનોરથ લાગાના ખર્ચમાં તોતિંગ ભાવ વધારો કર્યો છે.
ડાકોર ટેમ્પલ કમિટી જે ભાવ વધારો કરાયો છે, તે ૧૦ કે ૨૦ ટકા નહિ પરંતું સીધો ડબલનો વધારો છે. કેટલાક કિસ્સામાં ડબલ કરતા પણ ભાવમાં વધુ રૂપિયાનો ચાર્જ કરાયો છે. ત્યારે ભક્તો દ્વારા કરાવવામાં આવતા મનોરથના લાગામાં વધારો થતા ચર્ચાઓએ જોર પકડ્યું છે.







































