અમદાવાદમાં એક યુવતી સાથે પ્રેમ સંબંધ બાદ વિશ્વાસઘાતની ઘટના સામે આવી છે. યુવતીએ ટીઆરબી જવાન પર લગ્નનું વચન આપી વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા  બાદ તરછોડી દેવાનો આરોપ લગાવ્યો છે.

માહિતી મુજબ, થલતેજમાં રહેતી અને નવરંગપુરાની સ્પા-સલૂનમાં કામ કરતી ૨૭ વર્ષીય યુવતીનો ત્રણ વર્ષ પહેલા વાસણા પોલીસ સ્ટેશન ખાતે આરોપી સાથે પરિચય થયો હતો. ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.

આરોપ મુજબ, કલ્પેશે યુવતીને લગ્નનું વચન આપીને મૈત્રી કરાર કર્યો હતો. સાથે જ ભાડે ફ્લેટ અપાવી અવારનવાર મળવા જતો અને સંબંધ બાંધતો હતો. યુવતીને થોડા સમયમાં લગ્ન કરવાની ખાતરી પણ આપવામાં આવી હતી.

યુવતીના જણાવ્યા મુજબ છેલ્લા બે મહિનાથી આરોપીએ વાતચીત બંધ કરી દીધી હતી. અનેક પ્રયાસો છતાં તેણે લગ્ન કરવાનો ઇન્કાર કરતા યુવતીને વિશ્વાસઘાત થયાની લાગણી થઈ હતી.

અમદાવાદ એ ડિવિઝનના ઇન્ચાર્જ એસીપી એચ.એમ. કણસાગરાએ જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં આરોપીએ યુવતીના અન્ય યુવક સાથેના ફોટા જાયા બાદ લગ્ન ન કરવાનો નિર્ણય લીધો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે વધુ પુરાવા એકત્ર કરી તપાસ શરૂ રાખી છે.