અમદાવાદ મહાનગરપાલિકાની તાજેતરની ચૂંટણીમાં ભાજપે ભવ્ય જીત મેળવી કોંગ્રેસને ભારે ઝટકો આપ્યો છે. કુલ ૧૯૨ બેઠકોમાંથી ભાજપે ૧૬૦ બેઠકો કબજે કરી લીધી છે, જ્યારે કોંગ્રેસ માત્ર ૩૨ બેઠકો સુધી સીમિત રહી છે. પરિણામે શહેરના રાજકારણમાં ભાજપનું પ્રભુત્વ વધુ મજબૂત બન્યું છે.
તેમ છતાં, કોંગ્રેસ માટે સૌથી મોટી ચિંતા માત્ર હાર નથી, પરંતુ પક્ષની અંદર ઉભી થયેલી આંતરિક ગતિવિધિઓ છે. ચૂંટણી પરિણામો બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા પદ માટે જારદાર ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. પક્ષના ચૂંટાયેલા કોર્પોરેટરોમાં ૧૮ મુસ્લિમ અને ૧૪ હિન્દુ સભ્યો વચ્ચે નેતૃત્વ માટે લોબિંગ તેજ બની રહ્યું છે.
શહેરના કેટલાક વિસ્તારો જેમ કે ગોમતીપુર, મક્તમપુરા, દાણીલીમડા, બહેરામપુરા અને દરિયાપુરમાં કોંગ્રેસે પોતાની પરંપરાગત વોટબેંક જાળવી રાખવામાં સફળતા મેળવી છે. છતાં, સમગ્ર શહેરમાં ભાજપ સામે કોંગ્રેસને મજબૂત પડકાર આપવામાં નિષ્ફળતા મળી છે.
હાલમાં, વિપક્ષના નેતા પદ માટે મુખ્ય મુકાબલો પૂર્વ વિપક્ષના નેતા શહેજાદખાન પઠાણ અને ઉપનેતા નીરવ બક્ષી વચ્ચે જાવા મળી રહ્યો છે. બંને નેતાઓ માટે અલગ-અલગ જૂથો દ્વારા જારદાર લોબિંગ ચાલી રહ્યું છે. એક તરફ નીરવ બક્ષીને ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખનું સમર્થન મળી રહ્યું છે, જ્યારે બીજી તરફ શહેજાદખાન પઠાણને શૈલેષ પરમાર સહિતના નેતાઓનો ટેકો છે.
વિપક્ષના નેતા પદને મહાનગરપાલિકામાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પછી આ પદને શક્તિશાળી ગણવામાં આવે છે. તેથી જ આ પદ માટે પાર્ટીમાં આંતરિક સ્પર્ધા તીવ્ર બની છે.
ગત ટર્મમાં પણ આ જ બંને નેતાઓ વચ્ચે જારદાર ટક્કર જાવા મળી હતી, જેના પરિણામે પક્ષમાં વિખવાદ ઊભો થયો હતો. તે વખતે કેટલાક કોર્પોરેટરોએ રાજીનામા આપ્યા બાદ અંતે સમાધાન કરાયું હતું. હાલ ફરી એ જ સ્થિતિ ઉભી થતાં કોંગ્રેસ માટે સંગઠન એકતા જાળવવું પડકારરૂપ બની શકે છે.