ભારતીય સંસ્કૃતિના પ્રાણ સમાન ગૌ માતાને રાષ્ટ્રીય સ્તરે સન્માન અને સુરક્ષા મળે તે હેતુથી સમગ્ર દેશમાં ‘ગૌ સમ્માન આહ્વાન અભિયાન’ વેગવંતુ બન્યું છે. તાજેતરમાં સાવરકુંડલા ખાતે વૃંદાવનના સંતો અને સ્થાનિક સાધુ-સંતોની અધ્યક્ષતામાં ગૌ પ્રેમી નાગરિકોની એક અગત્યની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગત ૨૭ એપ્રિલના રોજ દેશના ૫૭૩૩ તાલુકાઓમાં અપાયેલા પ્રાર્થના પત્રોની સફળતા બાદ હવે આજે ૦૭ મે ૨૦૨૬ના રોજ ગુજરાતના તમામ ૨૬૭ તાલુકા મથકો પર એકસાથે રાષ્ટ્રપતિને સંબોધીને આવેદન પત્ર આપવાનું આયોજન કરાયું છે. આ આંદોલનના મુખ્ય ત્રણ લક્ષ્યોમાં ભારતને ગૌ હત્યા મુક્ત બનાવવું, ગૌ માતાને ‘રાષ્ટ્ર માતા’નો બંધારણીય દરજ્જો અપાવવો અને સ્વતંત્ર ગૌ સેવા મંત્રાલયની સ્થાપના કરવાનો સમાવેશ થાય છે. સાવરકુંડલામાં મહુવા રોડ પર આવેલા આવકાર રેસ્ટોરન્ટના મેદાનમાં સવારે ૧૦ કલાકે યોજાનારા આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકોને ઉમટી પડવા અપીલ કરવામાં આવી છે. વધુમાં જનતા ૯૦૬૭૭૭૭૩૨૩ પર મિસ્ડ કોલ આપી આ રાષ્ટ્ર યજ્ઞમાં પોતાનું સમર્થન નોંધાવી શકે છે.